પેરાલિમ્પિક્સઃ શૂટિંગમાં મનીષે ગોલ્ડ, સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે ટોક્યો પેરાલિમ્પિકસમાં શનિવારે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતના મનીષ નરવાલે 50 મીટર મિક્સ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એ દેશનો ટોક્યો પેરાલિમ્પિક્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ છે. આ સિવાય 50 મીટર મિક્સ્ડ શૂટિંગમાં  સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો હતો. જે પછી ભારતના મેડલોની સંખ્યા હવે 15ની થઈ ગઈ છે. ભારતના ખાતામાં હવે ત્રણ ગોલ્ડ મેડલ આવી ચૂક્યા છે. આ સાથે ભારતે બે સિલ્વર મેડલ પહેલેથી જ બેડમિન્ટનમાં પાકા કરી દીધા છે. આ પહેલાં અવની લેખરા શૂટિંગમાં અને સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ મનીષ નરવાલને અભિનંદન પાઠવ્યાં હતા.  એક ટ્વીટમાં વડા પ્રધાને કહ્યું હતું કે મનીષ નરવાલની શાનદાર ઉપલબ્ધિ. તેમણે ગોલ્ડ મેડલ જીત્યો એ ભારતીય રમતો માટે એક વિશેષ ક્ષણ છે. તેમને અભિનંદન અને આવનારા સમય માટે શુભકામના. વડા પ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ સિંહરાજ અધાનાને અભિનંદન આપ્યાં હતા.

19 વર્ષીય નરવાલે પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બનાવતાં 218.2નો સ્કોર કર્યો હતો. પી1 પુરુષોની એસ મીટર એર પિસ્ટલ એસએચ1 સ્પર્ધામાં મંગળવારે બ્રોન્ઝ જીતનારા અધાનાએ 216.7 પોઇન્ટ બનાવીને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. રશિયા ઓલિમ્પિક સમિતિના સર્જેઈ માલિશેવે 196.8 પોઇન્ટની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બંને નિશાનબાજોએ સૌથી સારો દેખાવ કર્યો હતો. 18મા શોટ પછી મનીષ નરવાલ ચોથા સ્થાને આવી ગયો હતો. એ પછી 19મા અને 20મા શોટમાં 19 વર્ષીય ભારતીયએ સનીસનીખેજ 10.8 પોઇન્ટ જીતીને પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.