WTC-ફાઈનલમાં પહોંચવા ભારતે ‘આટલી’ મેચ જીતવી પડશે

ઢાકાઃ ચટ્ટોગ્રામના ચૌધરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશને પહેલી ટેસ્ટમાં આજે 188 રનથી હરાવીને ભારતે બે-મેચની શ્રેણીમાં 1-0ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. આ જીત સાથે ભારત 2021-2023 આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચવા માટે એક ડગલું આગળ વધ્યું છે. હવે ભારતે બાકીની પાંચમાંથી ચાર મેચ જીતવી પડશે.

(તસવીર સૌજન્યઃ @ICC)

બાંગ્લાદેશને પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે 512 રનનો ટાર્ગેટ અપાયો હતો. તેના ખેલાડીઓ બીજા દાવમાં 324 રનમાં ઓલઆઉટ થઈ ગયા. ઓપનર ઝાકીર હસને પ્રથમ ટેસ્ટ સદી રૂપે 100 રન કર્યા અને અનુભવી ઓલરાઉન્ડર શાકીબ અલ હસને 84 રન કર્યા હતા. બાંગ્લાદેશ પર આ ટેસ્ટ વિજય હાંસલ કરવામાં ભારત વતી ચેતેશ્વર પૂજારા (90 અને 102 રન નોટઆઉટ), શુભમન ગિલ (110) અને કુલદીપ યાદવ (પહેલા દાવમાં 40 રનમાં પાંચ અને બીજા દાવમાં 73 રનમાં 3 વિકેટ) તરફથી પ્રભાવશાળી કામગીરી જોવા મળી.  બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાશે.

ચટ્ટોગ્રામમાં આ ટેસ્ટ વિજય હાંસલ કર્યા બાદ ભારતીય ટીમ WTCના પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એણે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાને પાછળ ધકેલી દીધું છે. ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો એનાથી ભારતને મોટો ફાયદો થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન આવૃત્તિમાં ભારતીય ટીમે કુલ 13 મેચમાંથી 7 જીતી છે અને ચારમાં પરાજય થયો છે. જ્યારે બે મેચ અનિર્ણિત રહી હતી. ભારતીય ટીમની ટકાવારી હાલમાં 55.77 છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા હજી પણ પહેલા નંબરે છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચમાંથી 9 જીતી છે અને તેની ટકાવારી 76.92 છે. દક્ષિણ આફ્રિકા 54.55 ટકા સાથે ત્રીજા નંબરે છે. ભારતે હજી પાંચમાંથી ચાર મેચ જીતવી પડે એમ છે. બાંગ્લાદેશ સામે તે હજી એક મેચ રમશે. ત્યારબાદ 2023ના ફેબ્રુઆરી-માર્ચમાં ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચ રમવાની છે. WTCની ફાઈનલ મેચ આવતા વર્ષના જૂન મહિનામાં લંડનના ઓવલ મેદાન પર રમાશે.