વર્લ્ડ ચેમ્પિયન મેસ્સી હાલ નિવૃત્ત નહીં થાય

દોહાઃ શ્વાસ થંભાવી દે એવી રોમાંચક ફાઈનલ મેચમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી પરાજય આપીને આર્જેન્ટિનાએ ગઈ કાલે રાતે ફિફા વર્લ્ડ કપ-2022 ટ્રોફી જીતી લીધી. આ સાથે જ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનું સપનું સાકાર થયું. આર્જેન્ટિનાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ત્રીજી વાર ટ્રોફી જીતી છે. 35 વર્ષીય મેસ્સીએ ગઈ કાલની મેચમાં બે ગોલ કર્યા હતા. પહેલો ગોલ રેગ્યૂલર ટાઈમમાં 23મી મિનિટે (પેનલ્ટી કોર્નરથી) અને બીજો એક્સ્ટ્રા ટાઈમ વખતે (108મી મિનિટે). આર્જેન્ટિનાની આ જીતને કારણે ફ્રાન્સ સતત બીજી વાર વિજેતા બની શક્યું નથી. બંને ટીમ રેગ્યૂલર ટાઈમને અંતે 2-2થી બરોબરી પર હતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમમાં પણ બંનેએ એક-એક ગોલ કરતાં પરિણામ 3-3 રહ્યું હતું. તેથી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં લઈ જવી પડી હતી.

‘ગોલ્ડન બોલ’ એવોર્ડ જીતનાર મેસ્સીએ અગાઉ કહ્યું હતું કે તે કતરમાંની વર્લ્ડ કપ સ્પર્ધા તેની આખરી વર્લ્ડ કપ હશે, પણ ગઈ કાલની ફાઈનલ જીત બાદ એણે વિચાર બદલ્યો છે અને કહ્યું, ‘મારે વર્લ્ડ ચેમ્પિયન તરીકે હજી અમુક વધારે મેચો રમવી છે. હું ભાગ્યશાળી છું કે કારકિર્દીમાં દરેક ટાઈટલ જીતી શક્યો છું. આ એક ટાઈટલ જ હાથતાળી આપતું હતું અને આર્જેન્ટિનાને આ ટાઈટલ પણ અપાવી શક્યો એનો મને બીજા દરેક જણ જેટલો જ બેહદ આનંદ છે.’

દોહાના લુસૈલ સ્ટેડિયમમાં ગઈ કાલની ફાઈનલ મેચનો 90,000 દર્શકોએ આનંદ માણ્યો હતો. આર્જેન્ટિનાના એન્જેલ ડી મારીયાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો. સામે છેડે, ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડી કાઈલીયન એમ્બાપ્પેએ ગોલની હેટ-ટ્રિક કરી હતી – 80 (પેનલ્ટી કોર્નર), 81 (એક્રોબેટિક વોલી) અને 118મી મિનિટે. સ્પર્ધામાં કુલ સાત ગોલ કરનાર મેસ્સીને બેસ્ટ ખેલાડી તરીકેનો ‘ગોલ્ડન બોલ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે સૌથી વધારે – આઠ ગોલ કરવા બદલ એમ્બાપ્પેને ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલીયાનો માર્ટિનેઝને ‘ગોલ્ડન ગ્લોવ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝને ‘બેસ્ટ યન્ગ પ્લેયર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફ્રાન્સની ટીમ આ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. 1998માં એણે ફાઈનલમાં પહોંચીને વિજેતા ટ્રોફી હાંસલ કરી હતી. 2006માં એ ફાઈનલમાં હારી ગઈ હતી અને 2018માં તે ફરી ચેમ્પિયન બન્યું હતું. સામે છેડે, આર્જેન્ટિના છઠ્ઠી વાર ફાઈનલમાં પહોંચી હતી.