ભારત પ્રવાસમાં વિલિયમસન સહિત બે ક્રિકેટરો નહીં રમે

રાંચીઃ વર્ષ 2023માં રમાનારા વનડે વર્લ્ડ કપ માટે બધી ટીમોએ ઝડપથી પોતાની ટીમના ખેલાડીઓની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે, જેમાં ભારત અને ન્યુ ઝીલેન્ડની ટીમ પણ સામેલ છે. ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ પછી એક નવી ટીમ સાથે ન્યુ ઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. હવે ન્યુ ઝીલેન્ડની ટીમ ભારત ને પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. ન્યુ ઝીલેન્ડે બંને પડોશી દેશોની સામે વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે.

ન્યુ ઝીલેન્ડની ટીમ ભારત આવતાં પહેલાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પાકિસ્તાનની સામે 10 જાન્યુઆરીથી વનડે સિરીઝ નો પ્રારંભ થશે. જોકે ભારતની સામે ન્યુ ઝીલેન્ડની ટીમ 18 જાન્યુઆરીએ પહેલી વનડે રમશે. ભારતના પ્રવાસે કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમસન નહીં, પણ ટોમ લેથમ હશે.પાકિસ્તાનમાં ટીમના કેપ્ટન તરીકે વિલિયમસન સુકાની હશે, પણ પછી તેઓ ન્યુ ઝીલેન્ડ પરત ફરશે. પાકિસ્તાન સામે રમ્યા પછી ગેરી સ્ટીડ પણ વિલિયમસન સાથે સ્વદેશ પરત ફરશે. તેમને સ્થાને લ્યુક રોન્કી ભારત પ્રવાસ માટે હેડ કોચ તરીકે જોડાશે.

વિલિયમસન અને કોચ ગેરીની સાથે સ્ટાર ઝડપી બોલર ટીમ સાઉધી પણ પાકિસ્તાનના પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. તેમને સ્થાને જેકબ ડફી ભારતનો પ્રવાસ કરશે, જ્યારે વિલિયમસનને સ્થાને માર્ક ચેપમેનની ટીમમાં વાપસી થઈ છે. ભારતની સામે ન્યુ ઝીલેન્ડની ટીમ- ટોમ લેથમ, ડેવોન કોનવે, ફિન એલેન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, એડમ, મિલ્ને, ડેરિલ મિચેલ, હેન્રી નિકોલ્સ, મિચેલ સેન્ટનર, હેન્રી શિપલી અને ઇશ સોઢી.