નવી દિલ્હીઃ એશિઝ સિરીઝથી ઠીક પહેલાં ટિમ પેને અચાનક ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી છે. ટિમ પેન સેક્સટિંગ સ્કેન્ડલ્સમાં ફસાઈ ગયો છે, જે ચાર વર્ષ જૂનું છે. આ કૌભાંડમાં ફસાયા પછી તેનું એશિઝ સિરીઝમાં રમવાનું અશક્ય લાગી રહ્યું છે. 17 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા અને ઇંગલેન્ડની વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝ રમાશે. ટિમ પેન પર વર્ષ 2017માં એક મહિલાને અશ્લીલ ફોટો મોકલવાનો આરોપ લાગ્યો છે.
ટિમ પેન પર આરોપ છે કે તેણે અશ્લીલ ફોટોની સાથે ગંદા મેસેજ પણ મોકલ્યા હતા. જેથી એશિઝ સિરીઝ પહેલાં ટિમ પેને ટેસ્ટ કેપ્ટનશિપ છોડવી પડી છે. ટિમ પેનને જગ્યાએ ઝડપી બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ માટે કેપ્ટન બનાવવામાં આવે એવી શક્યતા છે. માર્નસ લાબુશેન પણ કેપ્ટન બનવાની હોડમાં છે. હું આજે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરું છું. આ અવિશ્વસનીય રૂપે મુશ્કેલ નિર્ણય છે, પણ મારા, પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે.
તેણે આ વિશે રડી પડતાં કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ છોડી રહ્યો છે, પણ તે ટીમમાં રહેવા ઇચ્છે છે. તેણે કહ્યું હતું કે ચાર વર્ષ પહેલાં મેં એક સહકર્મચારીને અશ્લીલ મેસેજ કર્યો હતો. એ મામલાની તપાસ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું હતું અને મેં તપાસ પક્રિયામાં ભાગ લીધો હતો. તપાસમાં ક્રિકેટ તસ્માનિયાએ માલૂમ પડ્યું હતું કે મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું. જોકે એ ઘટના બની, ત્યારે મેં માફી માગી હતી. મેં મારી પત્ની અને પરિવારથી પણ માફી માગી હતી.