દ્રવિડ-રોહિતનો સ્વભાવ સરખો છેઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય સિનિયર મેન્સ ક્રિકેટ ટીમમાં થયેલા મોટા ફેરફારોમાં હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ આવ્યા છે. જ્યારે વિરાટ કોહલીના રાજીનામાને પગલે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન પદે રોહિત શર્મા નિયુક્ત થયો છે. આ બંનેની સહિયારી કામગીરી આજથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે શરૂ થતી ટ્વેન્ટી-20 સિરીઝ શરૂ થશે. ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરનું એવું માનવું છે કે દ્રવિડ અને શર્મા, બેઉનો સ્વભાવ સરખો જ છે. એમની જોડી ઘણી સરસ જામશે. બંને વચ્ચે વિચારોનો સરસ તાલમેલ છે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પરના એક શૉમાં ગાવસકરે કહ્યું કે, રોહિત અને દ્રવિડ, બંનેનો સ્વભાવ સરખો છે. તેથી મારું માનવું છે કે એમની વચ્ચે તાલમેલ સારો બની રહેશે. બંને જણ એકબીજાને સારી રીતે સમજી શકશે. ભૂતપૂર્વ ઓપનર અને ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડ સાથે ટૂંકા સમય માટે રમી ચૂકેલા આકાશ ચોપરાએ ગાવસકરના મંતવ્યમાં સહમતી દર્શાવી હતી.