ક્રિકેટ વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારંભ નહીં યોજાવાની શક્યતા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ પહેલાં આ વર્ષે કોઈ ઉદઘાટન સમારોહ નહીં યોજવામાં આવે, એવું રેવ સ્પોર્ટનો અહેવાલ કહે છે. જોકે વિશ્વ કપનો પ્રારંભ ગયા વર્લ્ડ કપના બે ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડની મેચથી થશે. 

સામાન્ય રીતે મોટી ટુર્નામેન્ટો માટે ઉદઘાટન સમારોહ યોજવાની પરંપરા છે. જોકે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ચોથી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહની યોજના બનાવી હતી. આ આયોજિત સમારંભમાં રણવીર સિંહ, અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, શ્રેયા ઘોષાલ અને આશા ભોસલે જેવા બોલીવૂડ સ્ટાર અને સિંગર ભાગ લેવાના હતા. આ ઉપરાંત વિશ્વ કપના ઉદઘાટન સમારંભમાં ફટાકડાની આતિશબજા અને લેસર શો પણ યોજાવાનો હતો.

વળી, આ સાંજે સાત કલાકના કાર્યક્રમમાં કેપ્ટન્સ ડે કાર્યક્રમ પછી બોલીવૂડ સ્ટારનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે હવે કેપ્ટન ડે કાર્યક્રમ તો યોજાવાનો છે, પણ ઉદઘાટન સમારંભ કોઈક કારણવશ નથી યોજાવાનો. જોકે આની કોઈ સત્તાવાર ઘોષણા પણ નથી કરવામાં આવી.

આ વર્લ્ડ કપ પહેલાં ચોથી ઓક્ટોબરે કેપ્ટન ડે ઉજવણીના કાર્યક્રમમાં બધી ટીમોના કેપ્ટન ભાગ લેશે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ અમદાવાદમાં હાજર રહેશે. આ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ યોજાશે, જેની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.