એશિયા કપની ફાઇનલમાં ફરી ભારત-પાક ટકરાવાની સંભાવના

કોલંબોઃ એશિયા કપ 2023માં સુપર ચાર સ્ટેજની ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને કચડ્યું હતું. કોહલી અને રાહુલની શતકીય ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયાએ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની સુપર ચાર તબક્કામાં પાકિસ્તાને 228 રનથી સજજ્ડ હાર આપી છે. આ હાર છતાં પાકિસ્તાન ભારતની સામે ફાઇનલમાં ટકારાવાની શક્યતા છે, પણ એના માટે તેણે રોહિત એન્ડ કંપનીની મદદ લેવી પડશે.

ભારત આજે સુપર ચાર મેચમાં ચેમ્પિયન શ્રીલંકા સામે રમશે, જેમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ ટુર્નામેન્ટમાં સુપર ચાર મેચમાં ભારત સામેની મેચ પહેલાં પાકિસ્તાને બંગલાદેશને હરાવ્યું હતું. હવે પાકિસ્તાનને સુપર ચાર તબક્કામાં માત્ર એક મેચ રમવાની બાકી છે.  તે હવે શ્રીલંકા સામે ટકરાશે.

પાકિસ્તાન સુપર ચાર સ્ટેન્ડિંગમાં શ્રીલંકાથી પાછળ છે, જ્યારે બંગલાદેશ ફાઇનલમાં બે સ્થાનોની દોડમાંથી લગભગ આઉટ થઈ ગયું છે. સુપર ચારના ગણિત મુજબ શ્રીલંકા (-0.420)નો રનરેટ પાકિસ્તાન (-1892)થી સારો છે. હવે ક્વોલિફિકેશન દોડમાં બની રહેવા માટે પાકિસ્તાને અંતિમ સુપર ચાર મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે.

 જો ભારત એની બાકીની મેચ- શ્રીલંકા અને બંગલાદેશ વિરુદ્ધ જીતી જશે તોએ સુપર-ચારમાં ટોચમા ક્રમે રહેશે. આવામાં પાકિસ્તાન શ્રીલંકા  સામે મેચમાં જીતી જશે તો એ ભારત સામે ટકરાશે. જોકે શ્રીલંકા ભારત અને પાકિસ્તાનને હરાવી દેશે તો એ ફાઇનલમાં જગ્યા પાકી કરી દેશે. હવે જો ભારત શ્રીલંકાને આજે હરાવશે તો પાકિસ્તાનની પાસે ફાઇનલ ક્વોલિફાય કરવા માટે સારી તક છે.