શ્રેયસ ઐયરને થયું છે શું? એને કેવા પ્રકારની ઈજા થઈ છે?

કોલંબોઃ આજે અહીંના પ્રેમદાસ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2023માં સુપર-4 રાઉન્ડની મેચ રમાઈ રહી છે. ગઈ કાલે પાકિસ્તાનને 228 રનના તોતિંગ માર્જિનથી હરાવીને રોહિત શર્મા અને તેના સાથીઓ જોરદાર જુસ્સામાં છે. પરંતુ ટીમનો એક ખેલાડી કમનસીબીનો સામનો કરી રહ્યો છે. એ છે મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર. આજની મેચમાંથી પણ ઈજાને કારણે એ બાકાત છે. નેપાળ સામેની મેચ વખતે ફિલ્ડિંગ કરતી વખતે ડાઈવ માર્યા બાદ શ્રેયસને પીઠમાં ઈજા થઈ હતી.

ઐયર ગઈ કાલે પૂરી થયેલી પાકિસ્તાન સામેની મેચમાં પણ રમ્યો નહોતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એક અપડેટ ઈસ્યૂ કરીને જણાવ્યું છે કે શ્રેયસ ઐયરને ગયા માર્ચ મહિનામાં પીઠના દુખાવાની સમસ્યા ચાલુ થઈ હતી. એ તકલીફ મટાડવા માટે તેણે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન તંદુરસ્ત થતા તરત જ ટીમમાં પાછો ફર્યો હતો. પરંતુ હવે એ પીડા એને ફરીથી સતાવી રહી છે. પીઠના દર્દમાંથી એ હજી સંપૂર્ણપણે સાજો થયો નથી. બીસીસીઆઈની મેડિકલ ટીમને ઐયરને આરામ કરવાની સલાહ આપી છે તેથી તે આજે શ્રીલંકા સામેની મેચ માટે ટીમની સાથે સ્ટેડિયમમાં ગયો નથી.

ટીમ ઈન્ડિયાના પ્રશંસકોના મનમાં સવાલ એ ઉપસ્થિત થયો છે કે ધારો કે ભારતીય ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચે તો 17 સપ્ટેમ્બરે રમાનાર તે મેચ સુધીમાં ઐયર ફિટ થઈ જશે કે નહીં? આવતા મહિનાથી ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાની છે. તે પૂર્વે ઐયરની ઈજા ટીમ ઈન્ડિયાને બહુ સતાવી રહી છે.