નાગપુરમાં 400 પર ઓલઆઉટ ટીમ ઇન્ડિયા, 223 રનની લીડ

નાગપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી નાગપુર ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ અહીં પહેલાં બેટિંગ કરતાં 177 રન બનાવ્યા હતા. એના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં 400 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. કેપ્ટન રોહિત શર્માની સદી સિવાય રવીન્દ્ર જાડેજાના 70 અને અક્ષર પટેલના 84 રન સાથે ટીમ ઇન્ડિયાએ 400 રન બનાવ્યા હતા. ભારતને પહેલી ઇનિંગ્સમાં 223 રનની લીડ મળી છે.

ત્રીજા દિવસે ભારતની શરૂઆત 321એ સાત વિકેટના સ્કોર સાથે થઈ હતી. પ્રારંભમાં જ રવીન્દ્ર જાડેજાની વિકેટ પડી હતી, પણ અક્ષર પટેલે એક બાજુ મોરચો સંભાળી રાખ્યો હતો. પહેલાં મોહમ્મદ શમી અને બાદમાં મોહમ્મદ સિરાજે અક્ષરનો સાથ આપ્યો હતો. મોહમ્મદ શમીએ 37 રન બનાવ્યા હતા.

પહેલી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને 223 રનની લીડ મળી હતી. અર્ધ સદી ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ પણ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના ટોડ મર્ફીએ 124 રન આપીને ટીમ ઇન્ડિયાની સાત વિકેટ લીધી હતી, જ્યારે પેટ કમિન્સને બે અને નાથન લાયનને એક મળી હતી. મર્ફીએ આ મેચથી ટેસ્ટમાં ડેબ્યું કર્યું હતું.