ભારતે ત્રણ દિવસમાં નાગપુર ટેસ્ટ જીતી લીધી

નાગપુરઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની મોટી જીત થઈ છે. નાગપુરમાં આ મેચમાં ભારતે ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 132 રનથી ઓસ્ટ્રેલિયાને માત આપી છે. બીજી ઇનિંગમાં આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી સામે ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણપણે સરન્ડર કર્યું હતું. ચાર ટેસ્ટ મેચમાં હવે ટીમ ઇન્ડિયા 1-0થી આગળ થઈ ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી નાગપુર ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ અહીં પહેલાં બેટિંગ કરતાં 177 રન બનાવ્યા હતા. એના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં 400 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. કેપ્ટન રોહિત શર્માની સદી સિવાય રવીન્દ્ર જાડેજાના 70 અને અક્ષર પટેલના 84 રન સાથે ટીમ ઇન્ડિયાએ 400 રન બનાવ્યા હતા. ભારતને પહેલી ઇનિંગ્સમાં 223 રનની લીડ મળી હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાએ જેવી બીજી ઇનિંગમાં બોલિંગ શરૂ કરી હતી. કાંગારુઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા. આર. અશ્વિન અને જાડેજાએ ઓસ્ટ્રેલિયાની ટીમની બેટિંગને છિન્નભિન્ન કરી નાખી હતી. પહેલી ઇનિંગમાં અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં અશ્વિને પાંચ અને જાડેજાએ બે વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન ભારતીય સ્પિન આક્રમણ સામે ટકી નહોતો શક્યો. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 91 રનમાં સમેટાઈ હતી. સિરીઝની બીજી ટેસ્ટ મેચ 17-21 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમાશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચ યોજાવાની છે. આ સિરીઝમાં ભારત ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે હાર્યું નથી.