T20 વર્લ્ડકપ-2022: ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડ કપ સ્પર્ધા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 18 ઓક્ટોબરથી શરૂ થનાર સ્પર્ધાની ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે. પડોશી અને કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-2માં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમનો મુકાબલો 23 ઓક્ટોબરે થશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપમાં બાબર આઝમના નેતૃત્ત્વ હેઠળની પાકિસ્તાની ટીમે વિરાટ કોહલીના સાથીઓને પરાજય આપ્યો હતો.

સ્પર્ધામાં 16 ટીમ ભાગ લેશે અને ઓસ્ટ્રેલિયાના સાત શહેરના સ્ટેડિયમોમાં કુલ 45 મેચો રમાશે – ધ ગબ્બા અથવા બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ (બ્રિસ્બેન), પર્થ સ્ટેડિયમ (પર્થ), એડીલેડ ઓવલ (એડીલેડ), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (સિડની), મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (મેલબર્ન), કાર્ડિનીઆ પાર્ક (સાઉથ જીલોંગ), બેલેરાઈવ ઓવલ (બેલેરાઈવ). સુપર-12 તબક્કાની પ્રારંભિક મેચમાં વર્તમાન ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. 2021ની સ્પર્ધાની ફાઈનલમાં આ જ બે ટીમ ટકરાઈ હતી.

સુપર-12 ગ્રુપ્સઃ

ગ્રુપ-1: ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન.

ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ.

સુપર-12 તબક્કાની આખી ચાર ટીમની પસંદગી છ-દિવસના ગ્રુપ તબક્કામાંથી કરાશે. ગ્રુપ-Aમાં શ્રીલંકા, નામિબીયા તથા અન્ય બે ક્વાલિફાયર ટીમ હશે. જ્યારે ગ્રુપ-Bમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ ઉપરાંત અન્ય બે ક્વાલિફાયર ટીમ હશે.