નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું કે તે બી-રેન્કના જે 8505 અધિકારીઓ ચૂંટણી પંચને ઉપલબ્ધ કરાવવા માગે છે, તેમની યાદી તાત્કાલિક ચૂંટણી પંચને સોંપે.
ચોથી ફેબ્રુઆરીએ થયેલી અગાઉની સુનાવણીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી પોતે કોર્ટમાં હાજર રહ્યાં હતાં અને SIR પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે અન્ય રાજ્યોમાંથી માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવાની પ્રક્રિયાનો પણ વિરોધ કર્યો હતો. તે સમયે ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજ્ય સરકારે અધિકારીઓ ઉપલબ્ધ કરાવ્યા નથી, તેથી બહારથી અધિકારીઓ બોલાવવા પડી રહ્યા છે. આ પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બી-રેન્કના અધિકારીઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
સોમવારે સુનાવણીમાં બંગાળ સરકારના વકીલ શ્યામ દિવાને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામ કરવા માટે ચૂંટણી પંચને 8505 અધિકારીઓ આપવા તૈયાર છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ સારું પગલું રહેશે. સ્થાનિક અધિકારીઓને ત્યાંની પરિસ્થિતિની સારી સમજ હોય છે. તમે તાત્કાલિક અધિકારીઓની યાદી ચૂંટણી પંચને આપો. જોકે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે હજુ સુધી તેમને ન તો અધિકારીઓની યાદી મળી છે અને ન અધિકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એના પર મુખ્ય ન્યાયાધીશે બંગાળ સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે 4 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી — તમે 5 ફેબ્રુઆરીએ જ યાદી આપી દીધી હોત તો પંચ અત્યાર સુધી નિર્ણય લઈ શક્યો હોત.




