નારાજ વિહારી કાઉન્ટી-ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ જતો રહ્યો

મુંબઈઃ ટેસ્ટ ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા સહિત ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ આઈપીએલ-2021 રમવા માટે સજ્જ બન્યા છે ત્યારે આ સ્પર્ધા માટે આઠમાંની એકેય ટીમે પોતાની પસંદગી ન કરતાં નારાજ થયેલા મિડલ-ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીએ ઈંગ્લેન્ડ તરફનું વિમાન પકડી લીધું છે અને ત્યાં એ કાઉન્ટી ક્રિકેટ સ્પર્ધામાં રમશે. એણે વોર્વિકશાયર કાઉન્ટી ક્લબ ટીમ સાથે કરાર કર્યો છે. વિહારી કાઉન્ટી સ્પર્ધામાં ત્રણેક મેચમાં રમશે અને ત્યારબાદ ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. ભારતીય ટીમ 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચમાં રમવાની છે.

હૈદરાબાદનિવાસી વિહારી ટેસ્ટ ટીમનો નિયમિત હિસ્સો રહ્યો હોવા છતાં આઈપીએલ-14ની હરાજીમાં તેની રૂ. એક કરોડની બેઝ પ્રાઈસમાં પણ કોઈ ટીમે ખરીદ્યો નહોતો. વિહારીની બેટિંગે જ ભારતને સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવવામાં મદદ કરી હતી. એ પાંચમા અને છેલ્લા દિવસે ચાર કલાક જેટલું રમ્યો હતો અને 161 બોલનો સામનો કરીને 23 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.