ન્યૂઝીલેન્ડની ટેસ્ટ-ટીમમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રની પસંદગી

વેલિંગ્ટનઃ ભારતીય માતા-પિતાના પરિવારમાં અને વેલિંગ્ટનમાં જન્મેલા 21 વર્ષનો ડાબોડી ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનો ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ન્યૂઝીલેન્ડના 20-સભ્યોની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. રચિનનો આ પહેલી જ વાર ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કરાયો છે. તાજેતરની ત્રણ સ્થાનિક સ્પર્ધાઓમાં રચિન રવિન્દ્રએ બોલિંગ અને બેટિંગ, બંનેમાં ઉલ્લેખનીય દેખાવ કર્યો હતો. રચિન વ્યવસાયે સોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ રવિ કૃષ્ણમૂર્તિ અને દીપા કૃષ્ણમૂર્તિનો પુત્ર છે.

કેન વિલિયમ્સનના નેતૃત્ત્વવાળી ન્યૂઝીલેન્ડ ટીમ ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ મેચ રમશે, જૂન-2થી લોર્ડ્સમાં અને 10 જૂનથી એજબેસ્ટનમાં. આ ટીમને ત્યારબાદ 15-ખેલાડીઓની કરી દેવામાં આવશે જે 18 જૂનથી સાઉધમ્પ્ટનમાં ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રમશે.