ઉત્તર કોરિયા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું

પ્યોંગયાંગઃ એક મિડિયા અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયા કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ નહીં લે. જર્મન ન્યૂઝ એજન્સી ડીપીએના અહેવાલ મુજબ, ‘સ્પોર્ટ્સ ઈન ધ ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા’ની વેબસાઈટના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાની ઓલિમ્પિક કમિટીએ ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ ન લેવાનો 25 માર્ચે નિર્ણય લીધો હતો. કમિટીએ એમ કહ્યું હોવાનું મનાય છે કે કોરોનાવાઈરસ બીમારીએ સર્જેલી વૈશ્વિક આરોગ્ય કટોકટી સામે ઉત્તર કોરિયાના એથ્લીટ્સનું રક્ષણ કરવા માટે ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ આ જાહેરાત વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. હજી સુધી પોતાને ઉત્તર કોરિયા તરફથી આ બાબતમાં સત્તાવાર રીતે કોઈ જાણ કરાઈ નથી એમ પણ આઈઓસીનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા એવા જૂજ દેશોમાંનો એક છે, જ્યાં હજી સુધી કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી. ટોકિયો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થવાનું નિર્ધારિત છે. આ ગેમ્સ વાસ્તવમાં ગયા વર્ષના જુલાઈમાં યોજાવાની હતી, પણ ગયા વર્ષે કોરોનાનો ઉપદ્રવ ફાટી નીકળતા ગેમ્સને 2021 પર મુલતવી રાખવામાં આવી હતી.