ચૂગલીખોર પાકિસ્તાની પ્રશંસકોને મોહમ્મદ શામીએ આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં મોહમ્મદ શામી ભારતનો શ્રેષ્ઠ બોલર રહ્યો હતો. એણે માત્ર 7 મેચ રમીને 24 વિકેટ ઝડપીને ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર તરીકેનો એવોર્ડ જીત્યો હતો. ચાર મેચ સુધી બેન્ચ પર બેસવાની ફરજ પડ્યા બાદ પાંચમી મેચથી રમવાનો મોકો મળતાં જ શામીએ એની પૂરી તાકાત લગાવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અનેક ટીમોની બેટિંગ લાઈન-અપને એ તોડતો રહ્યો હતો. શ્રીલંકાની ટીમ સામે એણે 18 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે મેચ ભારત 302 રનના માર્જિનથી જીત્યું હતું. શ્રીલંકા ટીમ માત્ર 55 રન જ બનાવી શકી હતી.

કસુન રજિથા નામક બેટરની વિકેટ ઝડપ્યા બાદ ખુશ થયેલો શામી મેદાન પર એના ઘૂંટણ પર બેઠો હતો અને મેદાનને સ્પર્શ કર્યો હતો. એને કારણે અમુક પાકિસ્તાની મીડિયા અને અમુક પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર ટીકા કરી હતી. એમણે એવો આરોપ મૂક્યો હતો કે શામી સજદા કરવા માગતો હતો, પણ ગભરાઈને અટકી ગયો હતો. એક યૂઝરે ભારતના બિનસાંપ્રદાયિક સિદ્ધાંતની હાંસી ઉડાવી હતી. તે ટીકાઓનો ભારતીય પ્રશંસકોએ જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે રમત સાથે ધર્મને જોડવો નહીં. શામી વાતાવરણને કારણે થાકી ગયો હતો, એ સજદા કરતો અટકી નહોતો ગયો.

તે ઘટનાના એક મહિના બાદ, આજતક ચેનલના એક કાર્યક્રમમાં શામીને આમંત્રિત કરવામાં આવ્યો હતો અને એને સજદા વિવાદ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે શામીએ કહ્યું કે, ‘હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું અને ભારતીય છું. મારે ભારતમાં નમાઝ પઢવી હોય તો હું ગમે તે જગ્યાએ બેસીને પઢી શકું છું, મને કોઈ રોકી શકે નહીં. હું કોઈને એના ધર્મમાં રોકું નહીં અને કોઈ મને રોકે નહીં. નમાઝ પઢવી એમાં તકલીફ જેવું કંઈ જ નથી. ધારો કે મને કોઈ તકલીફ હોત તો હું ભારતમાં રહેત જ નહીં. ભારતમાં સજદા કરવાની જો મારે કોઈની પરવાનગી લેવી પડતી હોત તો હું આ દેશમાં રહેત જ નહીં. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું, ભારતીય છું. ભારતમાં તમે કહો એ જગ્યાએ, કોઈ પણ મંચ પર હું સજદા કરીશ. આવા લોકો ન તો તમારી સાથે છે કે ન મારી સાથે. આ તો ચૂગલીખોર લોકો છે.’