‘ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમેચમાં અમે આક્રમક ક્રિકેટ રમીશું’: હરમનપ્રીત કૌર

નવી મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરો આવતીકાલથી અહીંના ડો. ડી.વાઈ. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમશે. બંને ટીમ વચ્ચે આ એકમાત્ર ટેસ્ટ મેચ હશે. આ પહેલાં બંને ટીમ વચ્ચે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમાઈ ગઈ છે. એમાં ઈંગ્લેન્ડે ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આજે ટેસ્ટ મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારી અમુક મર્યાદાઓ છે તે છતાં અમે ઈંગ્લેન્ડ સામે આક્રમક રમત રમીશું અને જીતવાની કોશિશ કરીશું.’

ભારતીય મહિલા ટીમ 9 વર્ષ પહેલાં ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી હતી. એનો છેલ્લો ટેસ્ટ મુકાબલો બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે કેરારામાં થયો હતો. હરમનપ્રીત કૌર તે મેચ ચૂકી ગઈ હતી. કેપ્ટન તરીકે તેની આ પહેલી મેચ હશે. ઓપનર સ્મૃતિ મંધાના તેની ડેપ્યૂટી છે.

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, દિપ્તી શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ, હરલીન દેઓલ, સાઈકા ઈશાક, શુભા સતીષ, તિતાસ સાધુ અને મેઘના સિંહ.

ઈંગ્લેન્ડ ટીમઃ હીધર નાઈટ (કેપ્ટન), ડેનિયલ વાયેટ, ટેમી બ્યોમોન્ટ, માયા બાઉચીર, નેટ શીવર-બ્રન્ટ, સોફિયા ડન્ક્લી, એમી જોન્સ (વિકેટકીપર), સોફી એકલ્સટોન, કેટ ક્રોસ, લૌરીન ફાઈલર, લૌરીન બેલ, શાર્લોટી ડીન, બેસ હીથ, એલિસ કેપ્સી, ક્રિસ્ટી ગોર્ડન.