રાજ્યમાં ચાર દિવસ યલો એલર્ટઃ અમદાવાદ સૌથી વધુ ગરમ

અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. જોકે  ગઈ કાલે સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની મહત્તમ સપાટીને વટાવી દીધી હતી. આમ અમદાવાદ 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 10 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે ચાર દિવસ સુધી યલો એલર્ટ રહેશે.

રાજ્યમાં મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે. જ્યારે રાજ્યનાં કેટલાંક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.

બીજી તરફ રાજ્યના ઓખા, ભૂજ અને નલિયામાં વાદળછાયું વાતારવણ રહ્યું છે. આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.

આ સાથે રાજ્યમાં અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભૂજમાં તાપમાન 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ  ઉપરાંત છોટા ઉદેપુરમાં 39.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી, નલિયામાં (Nalia) 38.4 ડિગ્રીમાં, દાહોદમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, જામનગરમાં 37.3 ડિગ્રી, સુરતમાં 36.6 ડિગ્રી અને પોરબંદરમાં (Porbandar) 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.