શાહીન અફરિદીના લગ્ન રિસેપ્શનમાં કેપ્ટન બાબર આઝમે હાજરી આપી

કરાચીઃ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદીએ ગયા શુક્રવારે અહીં અંશા અફરિદી સાથે લગ્ન કર્યા હતા. અંશા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીની પુત્રી છે.  શાહીનના લગ્નનું રિસેપ્શન ગઈ કાલે ડીએચએ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ યોજવામાં આવ્યું હતું. એમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પણ હાજરી આપી હતી. છેલ્લા એક અઠવાડિયાથી એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાનનો પરાજય થયા બાદ ટીમના ખેલાડીઓ એમના કેપ્ટન બાબર આઝમથી નારાજ થયા હતા. ખાસ કરીને બાબર અને શાહીન અફરિદી વચ્ચેના સંબંધમાં કડવાશ ઊભી થઈ છે, પરંતુ શાહીનના રિસેપ્શનમાં બાબરે હાજરી આપતાં એમની વચ્ચે કોઈ વિખવાદ થયાની અટકળોનો અંત આવી ગયો છે. બાબરે લગ્ન સમારંભમાં જઈને શાહીનને અભિનંદન આપ્યા હતા અને શાહીને બાબરને આવકાર આપ્યો હતો. આના વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

(તસવીર સૌજન્યઃ @babarazam258)

બાબર આઝમે X (ટ્વિટર) પ્લેટફોર્મ ઉપર તેના એકાઉન્ટ પર શાહીન અને અંશાને લગ્ન માટે અભિનંદન આપ્યા હતા.

રિસેપ્શનમાં પાકિસ્તાન ટીમના અમુક અન્ય ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. બાબર અને શાહીન વચ્ચે કોઈ ઝઘડો થયો હતો એવા અહેવાલોને પાકિસ્તાન ટીમના એક સિનિયર સભ્યએ રદિયો આપ્યો છે.

પાકિસ્તાનના ખેલાડીઓ હવે ભારત જશે અને આઈસીસી ODI વર્લ્ડ કપમાં રમશે. પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામે છે. એ પહેલાં તેઓ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમશે.