TMCને બદલે ભાજપનો મત આપવો સારોઃ અધીર રંજનનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ TMC સાંસદ સુષ્મિતા દેવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે પશ્ચિમ બંગાળમાં TMCને બદલે ભાજપને મત આપવો સારો છે. આ વિડિયોમાં તેમને સાંભળી શકાય છે કે TMCને મત કેમ આપવો?…ભાજપને મત આપવો યોગ્ય છે. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા પણ છે, જ્યારે સુષ્મિતા દેવ TMCમાં સામેલ થતાં પહેલાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં.

પશ્ચિમ બંગાળના બહારમપુર લોકસભા સીટથી પાંચ વાર લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી મમતા બેનરજીના તીખા ટીકાકારોમાંના એક છે. તેઓ બહેરામપુરમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે મંચ પર હતા, ત્યારે તેમણે બંગાળીમાં કહ્યું હતું કે TMCને મત કેમ આપવો, ભાજપને મત આપવો સારો છે.

આવામાં ઇન્ડિયા એલાયન્સનું શું થશે? આવામાં ભલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે એકતાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ વાતથી ઘણી દૂર છે, જેના પર વિપક્ષ દેશને વિશ્વાસ આપવા માગે છે, એમ વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષે આ વિડિયો X પર શેર કરતાં કહ્યું હતું.

મુખ્ય મંત્રી મમતા બેનરજી પર ચૌધરી દ્વારા સતત વિરોધને કારણે ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી જવાના નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવે છે. એ દરમ્યાન TMC નેતા સુષ્મિતા દેવે અધીર રંજન ચૌધરી પર તીખો હુમલો કર્યો છે.