વડાપ્રધાન મોદીની ફેવરિટ રમત ક્રિકેટ નથી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 104મા એપિસોડમાં નાગરિકો સાથે પોતાના મનની કેટલીક વાતો શેર કરી હતી. ચીનમાં યોજાઈ ગયેલી વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં ભારતીય રમતવીરોએ દર્શાવેલા ઉત્તમ દેખાવની વડા પ્રધાને પ્રશંસા કરી હતી. તે રમતોત્સવમાં મેડલ જીતનાર કેટલાક ભારતીય રમતવીરો સાથે એમણે વાતચીત પણ કરી હતી.

એમાંના એક એથ્લીટે વડા પ્રધાનને પૂછ્યું હતું કે, ‘તમારી ફેવરિટ રમત કઈ છે?’ ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે મોદીએ ક્રિકેટ કહ્યું નહોતું. તેના જવાબમાં મોદીએ હોકી, ખો-ખો, કબડ્ડી અને ફૂટબોલ રમતોનું નામ દીધું હતું, પણ ક્રિકેટનું નામ પણ લીધું નહોતું. તેમણે કહ્યું કે, હોકી, ખો-ખો, કબડ્ડી, ફૂટબોલ રમતો ભારતની ધરતી પર જન્મ પામેલી છે. એટલે આપણા દેશે એમાં જરાય પાછળ રહેવું ન જોઈએ. ભારતે રમતગમતોમાં સરસ રીતે પ્રગતિ કરવી જોઈએ અને એટલા માટે જ હું આ બધી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યો છું. હવે વધુ ને વધુ લોકો શૂટિંગ અને તીરંદાજી રમતોમાં પણ રસ લેવા માંડ્યા છે. મને લાગે છે કે રમતગમતો પ્રત્યે લોકોનું વલણ ઘણું બદલાયું છે.’