મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી આવૃત્તિ (આઈપીએલ-2022)નો આરંભ 26 માર્ચથી થઈ રહ્યો છે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈમાં મેચ રમાશે. ત્યારબાદ 27 માર્ચે યજમાન મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે એની ઈચ્છા આ વખતની આઈપીએલમાં પોતાની ટીમની બધી જ મેચમાં રમવાની છે. ‘ભારતીય ટીમના આગામી ભરચક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમને ધ્યાનમાં લેતાં શારીરિક સુસજ્જતા જાળવી રાખવા તું આઈપીએલ-2022માંથી બ્રેક લેવાનું વિચારે છે ખરો?’ એવા એક સવાલના જવાબમાં રોહિતે કહ્યું કે, ‘હું સ્પર્ધાની એકેય મેચ ચૂકવા માગતો નથી. હું બધી જ મેચો રમવા ઈચ્છું છું.’
ઉલ્લેખનીય છે કે, 2021ની આઈપીએલમાં રોહિત શર્મા અપૂરતી ફિટનેસને કારણે કેટલીક મેચો ચૂકી ગયો હતો. તે મેચોમાં કાઈરન પોલાર્ડે ટીમનું સુકાન સંભાળ્યું હતું.
રોહિતના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ આઈપીએલ-15 પૂરી થયા બાદ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે. ત્યારબાદ ટીમ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે જશે જ્યાં મર્યાદિત ઓવરોવાળી શ્રેણીઓ રમશે અને તે પછી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા જશે જ્યાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ યોજાવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, કાઈરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડીવોલ્ડ બ્રેવિસ, બાસીલ થામ્પી, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, એન. તિલક વર્મા, સંજય યાદવ, જોફ્રા આર્ચર, ડેનિયલ સેમ્સ, ટાઈમલ મિલ્સ, ટીમ ડેવિડ, રાઈલી મેરેડિથ, મોહમ્મદ અર્શદ ખાન, અનમોલપ્રીતસિંહ, રમનદીપસિંહ, રાહુલ બદ્ધી, રિતીક શોકીન, અર્જુન તેંડુલકર, આર્યન જુયાલ, ફેબિયન એલન.