ધોનીએ સુકાનીપદ છોડ્યું; જાડેજા ચેન્નાઈ સુપરકિંગ્સનો નવો-કેપ્ટન

મુંબઈઃ મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું સુકાનીપદ છોડી દીધું છે. તેણે આ જવાબદારી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સુપરત કરી દીધી છે. ધોની ચેન્નાઈ ટીમનું સુકાન આઈપીએલ સ્પર્ધા 2008માં શરૂ થઈ ત્યારથી સંભાળતો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, જાડેજા 2012ની સાલથી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ રહ્યો છે. તે સીએસકે ટીમનું સુકાન સંભાળનાર માત્ર ત્રીજો જ ખેલાડી બનશે. ધોની આઈપીએલની આ મોસમમાં તેમજ ભવિષ્યમાં પણ ટીમના ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ચાર વખત આઈપીએલ વિજેતાપદ હાંસલ કર્યું છે. તે 204 મેચોમાં કેપ્ટન રહ્યો હતો જે દરમિયાન ચેન્નાઈ ટીમે 121માં જીત અને 82માં હાર મેળવી છે. એની જીતની ટકાવારી 59.60 છે. એક મેચ પરિણામવિહોણી રહી હતી.

40 વર્ષીય ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નાઈ ટીમે ગયા વર્ષે સ્પર્ધા જીતી હતી. આ વખતની મોસમમાં એની પહેલી મેચ 26મીના શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે, જે ટીમ ગયા વર્ષે રનર્સ-અપ રહી હતી.