IPL-2022ની સીઝનમાં ત્રણ કેપ્ટનોનું ડેબ્યુ થશે

નવી દિલ્હીઃ IPL-2022 માટે બધી ટીમોએ પોતપોતાના કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સ લીગ શરૂ થવાના બે દિવસ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો છે. તે લીગમાં કેપ્ટનશિપનું ડેબ્યુ કરશે. આ વખતે 10 ટીમો ભાગ લઈ રહી છે. જાડેજા સિવાય બે અન્ય કેપ્ટનો ડેબ્યુ કરશે. જોકે એક કેપ્ટનની પાસે 50થી વધુ મેચોનો અનુભવ છે. આ સિવાય બે એવા કેપ્ટનો છે, જેમની ટીમ બદલાઈ ગઈ છે અને તેઓ નવી ટીમની પહેલી વાર કેપ્ટનશિપ કરશે.

રોહિત શર્મા સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયનનો કેપ્ટન છે. તે 50થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મુંબઈ તેની કેપ્ટનશિપ હેઠળ 2013,2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની ચૂકી છે.

મહેન્દ્ર સિંહની જગ્યાએ રવીન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન હશે. ટુર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલાં ચાર વારની ચેમ્પિયન ચેન્નઈના કેપ્ટન ધોનીએ પોતાની કેપ્ટનશિપ છોડી દીધી છે.

દિલ્હી કેપિટલની કેપ્ટનશિપ ઋષભ પંતના હાથોમાં છે. તેણે ગઈ સીઝનમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. તેને ભવિષ્યનો ભારતીય કેપ્ટન પણ માનવામાં આવે છે.

2018થી 2020 સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરનારો શ્રેયસ ઐયર આ વખતે કોલકાતાનો કેપ્ટન છે. લિલામીમાં KKRએ તેને ખરીદી લીધો હતો અને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન 2016મં કેન વિલિયમસનના હાથોમાં છે. છેલ્લી સીઝનમાં ડેવિડ વોર્નરને હટાવીને ટીમનું સુકાન તેને સોંપાયું હતું. ફ્રેન્ચાઇઝીએ તેને રિટેન કર્યો છે.

દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ IPL માં કેપ્ટનશિપનું ડેબ્યુ કરશે. તે ગઈ વખતે ચેન્નઈ સુપર કિંગ્સમાં હતો, પણ આ વખતે લિલામીમાં RCBએ તેને કેહલીની જગ્યાએ કેપ્ટન બનાવ્યો છે.

કેએલ રાહુલ ગઈ વખતે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો, પણ આ વખતે તે લખનઉ સુપર જાયન્ટ્સથી કેપ્ટનશિપનું ડેબ્યુ કરશે.

આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ ગુજરાત ટાઇટન્સમાંથી કેપ્ટનશિપનું ડેબ્યુ કરશે.