‘ધોની બેટિંગ કરતો હોય ત્યારે ટેન્શન હોય’

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 15મી મોસમનો ગઈ કાલથી આરંભ થયો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મેચ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ ગઈ, જેમાં શ્રેયસ ઐયરના નેતૃત્ત્વવાળી કોલકાતા ટીમે રવિન્દ્ર જાડેજાના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ ટીમને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. ઐયરે ટોસ જીતીને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ચેન્નાઈ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 131 રન કર્યા હતા. ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ 38 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા ન હોત તો ચેન્નાઈ ટીમનો સ્કોર 100ની પાર પણ કદાચ જઈ શક્યો ન હોત. તેના જવાબમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે 18.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે 133 રન કરીને મેચ જીતી લીધી હતી. કોલકાતાના ઓપનર અજિંક્ય રહાણેએ 44 રન કર્યા હતા. કેપ્ટન ઐયર 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કોલકાતાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો, જેણે ચેન્નાઈના બંને ઓપનર ઋતુરાજ ગાયકવાડ (0) અને ડેવોન કોન્વે (3)ને આઉટ કર્યા હતા.

મેચ બાદ શ્રૈયસ ઐયરે કહ્યું હતું કે ધોની જ્યારે બેટિંગ કરતો હોય ત્યારે હરીફ ટીમને હંમેશાં ટેન્શન રહેતું હોય છે. ઉમેશે નેટ પ્રેક્ટિસ વખતે અને પ્રેક્ટિસ મેચોમાં સખત મહેનત કરી હતી. ચેન્નાઈ સામેની મેચમાં એના દેખાવથી ખરેખર ખુશી થઈ.