સૈન્યશિસ્તઃ જૂતાં જાતે પોલિશ કરતો, સાથી સૈનિકો સાથે ગીત ગાતો ધોની

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનાં ચાહકો અગણિત છે. એની પ્રત્યે લાગણી ધરાવવા માટે ચાહકો પાસે અનેક કારણો છે. 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટનની સાદગીભર્યો સ્વભાવ, નમ્રપણું એમાંના અમુક કારણ છે. વળી એ અવારનવાર પોતાની દેશભક્તિ પણ દર્શાવતો રહ્યો છે.

ધોની ભારતીય સૈન્યમાં માનદ્દ સેવા આપી રહ્યો છે અને ભારતીય લશ્કરે માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલની પદવી પણ આપી છે. પોતાની 106 TA બટાલિયન (પેરામિલિટરી) વતી દેશ માટે સેવા બજાવવા તેમજ પોતાની આર્મી ટ્રેનિંગ પૂરી કરવા માટે ધોનીએ ક્રિકેટમાંથી બે મહિનાનો બ્રેક લીધો છે. એ 15 ઓગસ્ટ સુધી કશ્મીરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે.

ધોની તેની રેજિમેન્ટમાં જોડાયો ત્યારથી સોશિયલ મિડિયા પર ચમકતો રહ્યો છે. ટ્રેનિંગ દરમિયાનની તેની તસવીરો પણ ઈન્ટરનેટ પર દેખાતી રહી છે.

નવી રાષ્ટ્રીય શિસ્તલક્ષી ફરજમાં એ પોતાનાં જૂતાંને જાતે પોલિશ કરતો જોવા મળ્યો છે.

ફૂરસદના સમયમાં એ સાથી જવાનો સાથે વોલીબોલ પણ રમતો હોય છે. એક વિડિયોમાં એ ‘કભી કભી’ ફિલ્મનું ગીત ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ ગીત ગાતો પણ જોવા મળ્યો છે. એ વિડિયોમાં તે આર્મી ગણવેશમાં છે અને પોતાની બટાલિયન માટેના એક કાર્યક્રમમાં એણે ગીત ગાયું હતું.