કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે. ન્યાયાધીશે એને આદેશ આપ્યો છે કે એણે તેની પત્ની હસીન જહાંને દર મહિને રૂ.1,30,000 ભરણપોષણ પેટે ચૂકવવા. હસીન જહાંએ 2018માં છૂટાછેડાની અરજી સાથે કોર્ટ પાસે એવી માગણી કરી હતી કે શમી દર મહિને પોતાને ભરણપોષણ પેટે 10 લાખ રૂપિયા આપે. એમાં સાત લાખ રૂપિયા એનાં વ્યક્તિગત ભરણપોષણ માટે અને બાકીના ત્રણ લાખ રૂપિયા એમની પુત્રીનાં દેખભાળનાં ખર્ચ રૂપે આપે.
2020-21માં શમીનું વાર્ષિક વેતન ઘણું વધારે – લગભગ 7 કરોડ રૂપિયા હતું. તેથી તે અનુસાર હસીન જહાંએ ઊંચી રકમની માગણી કરી હતી. પરંતુ શમીના વકીલે એવી દલીલ કરી હતી કે હસીન જહાં પોતે એક પ્રોફેશનલ ફેશન મોડેલ તરીકે કામ કરે છે. એની પોતાની આવક ઘણી છે તેથી એ ભરણપોષણની રકમ માગે તે ખોટું છે. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળીને હવે શમીને આદેશ આપ્યો છે કે એણે દર મહિને પત્નીને રૂ. 1,30,000 ભરણપોષણ પેટે ચૂકવવા. એમાં રૂ. 50,000 હસીન જહાં માટે તથા બાકીની રકમ એમની પુત્રીની દેખભાળ માટે હશે. આ આદેશ બદલ હસીન જહાંએ કોર્ટનો આભાર માન્યો છે.