‘ખુશ છું કે બધા અનુભવી ખેલાડીઓએ સારો દેખાવ કરી ઈંગ્લેન્ડને હરાવ્યું’: રોહિત

લખનઉઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં ગઈ કાલે અહીં વાજપેયી સ્ટેડિયમમાં ભારતે ગઈ વેળાના ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100-રનથી ધૂળ ચાટતું કરી દીધું. ભારતના કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ માટે પડકારજનક પીચ પર તેની આગવી સ્ટાઈલમાં ફટકાબાજી કરીને કરેલા 87 રન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ જીત્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 229 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 49 અને વિકેટકીપર કે.એલ. રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ 22 રનમાં 4, અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 32 રનમાં 3, ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે 24 રનમાં બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમના તમામ અનુભવી ખેલાડીઓએ આ પડકારજનક પીચ પર સારો દેખાવ કર્યો એનાથી હું બહુ જ ખુશ થયો છું. નાના ટોટલને ડીફેન્ડ કરવું ઘણી વાર મુશ્કેલ બનતું હોય છે, પણ અમારા ફાસ્ટ બોલરોએ હવામાનનો લાભ લઈને જે રીતે સ્વિંગ બોલિંગ ફેંકી એ પ્રશંસનીય છે. અમારી ટીમમાં સ્પિનરો પણ સરસ છે અને અનુભવી પણ છે.

ભારતીય ટીમ તમામ 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર ફરી ટોચ પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ 6માંથી પાંચ મેચ હારીને યાદીમાં તળિયે – 10મા નંબરે ફેંકાઈ ગઈ છે. ભારતનો હવે પછીનો મુકાબલો બીજી નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે છે.

ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ ઝઘડો નથીઃ કોચ મેથ્યૂ મોટ

ઈંગ્લેન્ડની ટીમનો દેખાવ આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધામાં અત્યંત નબળો રહ્યો છે ત્યારે ટીમના ખેલાડીઓમાં ફૂટ પડી હોવાના 2019માં વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઓઈન મોર્ગને કરેલા આક્ષેપને ટીમના કોચ મેથ્યૂ મોટએ રદ્યો આપ્યો છે. એમણે કહ્યું કે ટીમ સંપૂર્ણપણ સંગઠિત છે. મોર્ગને ગઈ કાલે સ્કાઈ સ્પોર્ટ્સ પર એમ કહ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડની ટીમમાં કંઈક ગડબડ છે.’ એનું કહેવું હતું કે સ્પર્ધામાં ટીમના ખરાબ દેખાવનું એક કારણ છે ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલો અણબનાવ. પરંતુ કોચ મોટએ કહ્યું છે કે, મોર્ગનને એમનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. એમની પત્નીએ એમનાં બાળકને જન્મ આપ્યો છે એટલે તે બે અઠવાડિયાથી ક્રિકેટ અને ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમથી દૂર રહ્યા છે. હું ચોક્કસ પણ એમની સાથે આ મુદ્દે વાત કરીશ. અમારી વચ્ચે સારા સંબંધો રહ્યા છે.