AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું

ODI વર્લ્ડ કપ 2023ની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડની આ સતત બીજી હાર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની સતત ચોથી જીત છે. હવે પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ સમાન છે. છ મેચ બાદ બંને ટીમ ચાર જીત સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. સારા રન રેટ સાથે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 388 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 383 રન જ બનાવી શક્યું અને મેચ નજીકના અંતરથી હારી ગયું.

કિવિઓને જીતવા માટે છેલ્લા બોલમાં છ રનની જરૂર હતી, પરંતુ લોકી ફર્ગ્યુસન સિક્સર ફટકારી શક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયાએ પાંચ રનથી મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ માટે જેમ્સ નિશમે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને શાનદાર અડધી સદી ફટકારી. કિવી ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી તેના પર હતી, પરંતુ તે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર રનઆઉટ થઈ ગયો અને અહીં ન્યૂઝીલેન્ડની હાર નક્કી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ બેટિંગ કરતા ટ્રેવિસ હેડે 109 રન અને ડેવિડ વોર્નરે 81 રન બનાવ્યા હતા. મેક્સવેલે 41, ઈંગ્લિસે 38 અને કમિન્સે 37 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને ગ્લેન ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટનરને બે અને મેટ હેનરી-જેમ્સ નિશાનને એક-એક વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ 116 રન બનાવ્યા હતા. જેમ્સ નીશમે 58 રન અને ડેરીલ મિશેલે 54 રન બનાવ્યા હતા. યંગે 32 અને કોનવેએ 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી. ગ્લેન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.

 

ઓસ્ટ્રેલિયાની આક્રમક શરૂઆત

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે માત્ર 59 બોલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની ચોથી સદી હતી. માથામાં ઈજા થઈ હતી અને તેના કારણે તે શરૂઆતની કેટલીક મેચો રમી શક્યો નહોતો. તેણે વોર્નર સાથે પ્રથમ વિકેટ માટે 117 બોલમાં 175 રનની ભાગીદારી કરી હતી. 59 બોલમાં આ સદી આ વર્લ્ડ કપમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી અને એડન માર્કરામે 49 બોલમાં સદી ફટકારી હતી. હેડે 67 બોલમાં 10 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 109 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ વોર્નરે સતત ત્રીજી મેચમાં 50થી વધુ રન બનાવ્યા હતા. આ પહેલા તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સદી ફટકારી હતી.

વોર્નર 65 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 81 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સ્ટીવ સ્મિથ પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે ત્રણેય વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 36 રન બનાવીને આઉટ થયો હતો, માર્નસ લાબુશેન 18 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રનની તોફાની ઈનિંગ રમી હતી. તે જ સમયે, જોશ ઈંગ્લિશએ 28 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. 49મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઇંગ્લિશ અને કમિન્સ ઉપરાંત તેણે ઝમ્પાને પણ આઉટ કર્યો હતો. ત્યારબાદ 50મી ઓવરમાં મેટ હેનરીએ મિશેલ સ્ટાર્કને નીશમના હાથે કેચ કરાવ્યો અને ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ 388 રન પર સમાપ્ત કરી દીધી. બોલ્ટ અને ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ઉપરાંત મિશેલ સેન્ટનરે બે વિકેટ લીધી હતી. હેનરી અને નીશમને એક-એક વિકેટ મળી હતી. ODI અને ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો આ સર્વોચ્ચ સ્કોર હતો. અગાઉ 2016માં ઓસ્ટ્રેલિયાએ કેનબેરામાં કિવી સામે પાંચ વિકેટ ગુમાવીને 378 રન બનાવ્યા હતા. આ સાથે જ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો આ ત્રીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.