ટોક્યો-ઓલિમ્પિક્સઃ મેરી કોમ, મનપ્રીત ભારતીય સંઘના ધ્વજવાહક

નવી દિલ્હીઃ ભારતે આગામી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમારોહ વખતે ભારતીય સંઘના ધ્વજવાહકો તરીકે મહિલા બોક્સર મેરી કોમ અને પુરુષોની હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની પસંદગી કરી છે. 23 જુલાઈથી શરૂ થનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભારત 200 સભ્યોનો સંઘ મોકલવાનું છે. મેરી કોમ અનેક વાર વિશ્વ ચેમ્પિયન બની ચૂક્યાં છે અને લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક પણ જીત્યાં હતાં. ટોક્યો ગેમ્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે. 8 ઓગસ્ટે ટોક્યો ગેમ્સના સમાપન સમારોહ વખતે ભારતીય સંઘનો ધ્વજવાહક ચેમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયા રહેશે એવો પણ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને નિર્ણય લીધો છે. ભારતીય સંઘમાં 126 એથ્લીટ્સ હશે અને 75 અધિકારીઓ હશે.

મેરી કોમે છ વખત મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધા જીતી છે, જે એક રેકોર્ડ છે અને તેમણે 2014ની એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક તથા 2020ની એશિયન ગેમ્સમાં રજતચંદ્રક જીત્યો હતો. 28 વર્ષનો મનપ્રીતસિંહ આ ત્રીજી વખત ઓલિમ્પિક્સમાં ભાગ લેશે. એ 2016ની સાલથી ભારતીય ટીમનો કેપ્ટન છે. 2014ની એશિયન ગેમ્સમાં તેના સુકાનીપદ હેઠળ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત તેની ટીમે રજતચંદ્રક જીત્યો હતો.