‘અમૂલ’ છે ટોક્યો-ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લીટ્સની સ્પોન્સર

આણંદઃ રૂ. 39,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ગુજરાતના આણંદસ્થિત દેશની અગ્રગણ્ય ડેરી અને ફૂડ કંપની ‘અમૂલ’ (GCMMF લિમિટેડ) આગામી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય સંઘની સત્તાવાર સ્પોન્સર તરીકે નિયુક્ત કરાઈ છે. 32મો ઓલિમ્પિક રમતોત્સવ આવતી 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી જાપાનના પાટનગરમાં યોજાવાનો છે.

આ જાણકારી અમૂલ કોઓપરેટિવના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. સાથે કંપનીની બ્રાન્ડ જેને માટે પ્રખ્યાત છે તે દૂધમિશ્રિત ખેલાડીઓની આકૃતિઓવાળો, ઈમ્પ્રેસિવ ક્રીએટિવ વિડિયો પણ અપલોડ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભારતના 126 એથ્લીટ્સ ભાગ લેવાના છે.