કોલકાતાના અનેક ખેલાડીઓને કોરોના થતાં IPL-મેચ મુલતવી

અમદાવાદઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અનેક ખેલાડીઓ કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બનતાં ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી 14મી મોસમમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આજે નિર્ધારિત કરાયેલી મેચને મુલતવી રાખવામાં આવી છે. કોરોના થવાને કારણે કોલકાતા ટીમના અનેક ખેલાડીઓને આઈસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા છે. કોલકાતાના સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ ચિંતિત થઈ છે.

(ડાબે) કોલકાતાનો સ્પિનર વરુણ ચક્રવર્તી અને જમણે ફાસ્ટ બોલર સંદીપ વોરિયર

બેંગલોર ટીમને જ્યારે આની જાણ થઈ ત્યારે એણે કોલકાતા ટીમ સાથે આજની મેચ રમવા વિશે નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ મેચ મુલતવી રખાતાં વર્તમાન સ્પર્ધાને એના મૂળ સમયપત્રક પ્રમાણે યોજવાનું બીસીસીઆઈ માટે મુશ્કેલ બનશે.