ધવને ફરી મેળવી ‘ઓરેન્જ-કેપ’; ‘પર્પલ-કેપ’ હર્ષલ પાસે

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 46 રન કર્યા બાદ દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને વર્તમાન સ્પર્ધામાં હાલ સૌથી વધારે રન-કર્તા તરીકેની ‘ઓરેન્જ કેપ’ પ્રાપ્ત કરી છે. સૌથી વધારે રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ધવનનો જોડીદાર પૃથ્વી શૉ ત્રીજા સ્થાને છે. તેણે ગઈકાલની મેચમાં 41 બોલમાં 82 રન ફટકાર્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 14 ઓવરમાં 132 રન કર્યા હતા. કોલકાતા ટીમે તેની 20 ઓવરમાં 6 વિકેટે 154 રન કર્યા હતા. એના જવાબમાં દિલ્હી ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 156 રન કરીને મેચ જીતી લીધી હતી. આઈપીએલ-14માં સૌથી વધારે રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ધવન 7 મેચમાં 311 રન સાથે પહેલા નંબર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાફ ડુ પ્લેસીસ 6 મેચમાં 270 રન સાથે બીજા અને પૃથ્વી શૉ 7 મેચમાં 269 રન સાથે ત્રીજા નંબર પર છે.

બોલરોના વર્ગમાં સૌથી વધારે વિકેટ લેનારને ‘પર્પલ કેપ’ અપાય છે. આ કેપ હાંસલ કરી છે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે – કુલ 17 વિકેટ ઝડપીને. આ યાદીમાં બીજા નંબરે છે દિલ્હી કેપિટલ્સનો અવેશ ખાન – 13 વિકેટ અને ત્રીજા ક્રમે છે મુંબઈ ઈન્ડિયન્સનો રાહુલ ચાહર – 11 વિકેટ.

દરમિયાન, ટીમોની યાદીમાં, મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ છમાંથી પાંચ મેચ જીતીને 10 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. રિષભ પંતની દિલ્હી ટીમ પણ સાતમાંથી પાંચ મેચ જીતીને 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તે પછીના ક્રમે આવે છે – રોયલ ચેલેન્જર્સ બેંગલોર, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ.