બુમરાહની રહસ્યમય ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઈન્ટરનેટ પર વાઈરલ

અમદાવાદઃ ભારતની રાષ્ટ્રીય ટીમનો મુખ્ય સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહ આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમે છે. આ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા રોહિત શર્માનો અનુગામી બનશે એવી અફવાને પગલે બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ભેદભરમવાળી સ્ટોરી પોસ્ટ કરી છે. એમાં તેણે માત્ર આટલું જ લખ્યું છે: ‘ક્યારેક મૌન જ શ્રેષ્ઠ ઉત્તર બને છે.’ બુમરાહની આ પોસ્ટને કારણે પ્રશંસકોમાં હલચલ મચી ગઈ છે. સૌ એવી અટકળો લગાડવા માંડ્યા છે કે પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન બનાવવાની ટીમની હિલચાલથી બુમરાહ ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, પંડ્યા આઈપીએલની છેલ્લી બે આવૃત્તિમાં ગુજરાત ટાઈટન્સ વતી રમ્યો હતો, પણ આવતા વર્ષની આવૃત્તિ માટે મુંબઈ ટીમે એને ગુજરાત પાસેથી રૂ. 15 કરોડમાં ખરીદી લીધો છે.

અમદાવાદમાં શીખ-પંજાબી પરિવારમાં જન્મેલા બુમરાહની પોસ્ટ પરથી લોકો એવું અનુમાન લગાડી રહ્યા છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું સુકાન સોંપાય એ બુમરાહને ગમ્યું નથી. રોહિતના અનુગામી બનવાની બુમરાહની પોતાની ઈચ્છા હોય એવું લાગે છે.

વડોદરાના વતની પંડ્યાના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સ ટીમે 2022માં વિજેતાપદ હાંસલ કર્યું હતું અને આ વર્ષની સ્પર્ધામાં તે ફાઈનલમાં પહોંચી હતી અને રનર્સ-અપ ટ્રોફી મેળવી હતી. ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પાછા જોડાવાની હાર્દિક પંડ્યાએ જ ઈચ્છા વ્યક્ત કરી હતી.

બીજી એક નોંધનીય બાબત એ છે કે બુમરાહે સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર હેન્ડલ્સ પર અનફોલો કર્યું છે.