વડોદરાઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે આજે કહ્યું છે કે એ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કેન્ડી ટસ્કર્સ ટીમ વતી રમશે.
કેન્ડી શહેરની આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ, સ્થાનિક સ્ટાર ખેલાડી કુશલ પરેરા, શ્રીલંકાના ટ્વેન્ટી-20ના સ્પેશિયાલિસ્ટ ગણાતા ખેલાડીઓ – કુશલ મેન્ડિસ અને નુવન પ્રદીપ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લન્કીટનો સમાવેશ થાય છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન હસન તિલકરત્ને કેન્ડી ટસ્કર્સ ટીમના કોચ છે.
વડોદરાનિવાસી અને 36-વર્ષીય ઈરફાન પઠાણ 29 ટેસ્ટ મેચ, 120 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 24 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા બાદ આ વર્ષના આરંભમાં ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો હતો. આ ડાબેરી બોલિંગ ઓલરાઉન્ડરે ત્યારે કહ્યું હતું કે પોતે ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં રમવા ઈચ્છે છે. હવે એણે કહ્યું છે કે પોતે LPLમાં કેન્ડી ટસ્કર્સ ટીમનો સભ્ય બનવા બદલ આનંદ અનુભવે છે. અમારી ટીમમાં કેટલાક જાણીતા નામો છે અને હું એમની સાથે રમવાનો અનુભવ લેવા આતુર છું.
કેન્ડી ટીમના માલિક સોહેલ ખાને કહ્યું છે કે ઈરફાનના સમાવેશથી અમારી ટીમની તાકાત વધશે એટલું જ નહીં, પણ એનો અનુભવ પણ અમારી ટીમ માટે મોટી સંપત્તિ બની રહેશે.
એલપીએલ સ્પર્ધાનો આરંભ 21 નવેમ્બરથી થવાનો છે અને તે 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધાની મેચો બે સ્થળે રમાશે – હેમ્બાનટોટા શહેરમાં મહિન્ડા રાજપક્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અને કેન્ડીના પલ્લીકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં.
એલપીએલમાં શ્રીલંકાના પાંચ શહેરોની ટીમ રમે છે – કોલંબો, કેન્ડી, ગોલ, ડામ્બુલ્લા અને જાફના. સ્પર્ધામાં કુલ 23 મેચો રમાશે. 21 નવેમ્બરે પહેલી મેચમાં કોલંબો અને ડામ્બુલ્લાની ટીમ વચ્ચે મુકાબલો થશે.
ફાઈનલ મેચ 13 ડિસેમ્બરે રમાશે. 14 ડિસેમ્બરનો દિવસ રિઝર્વ રખાયો છે.