અબુધાબીઃ ટીમદીઠ 20-20 ઓવરવાળી મેચોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 13મી મોસમનો આવતીકાલથી યૂએઈમાં ત્રણ સ્થળે આરંભ થશે. કાલની પ્રારંભિક મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ બંને ટીમ ગયા વર્ષની સ્પર્ધાની ફાઈનલિસ્ટ છે. હરિયાણાના ગુરુગ્રામ શહેર તથા એની આસપાસના વિસ્તારોમાંથી ક્રિકેટ સટ્ટાકીય પ્રવૃત્તિ ચલાવતા બુકીઓમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી ફેવરિટ છે. તેઓ આ ટીમનો ભાવ રૂ. 4.90નો લગાવે છે. તે પછીના ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ આવે છે – રૂ. 5.60ના ભાવ સાથે.
બેટિંગ (સટ્ટાખોરી)ના ગેરકાયદેસર કૌભાંડ ચલાવતી સિન્ડીકેટ્સ પર ચાંપતી નજર રાખવાનો ગુરુગ્રામ પોલીસે તેની ગુપ્તચર શાખા – ક્રાઈમ બ્રાન્ચને તથા સ્ટેશન હાઉસ ઓફિસરોને આદેશ આપ્યો છે.
બીજી બાજુ, બુકીઓએ પોલીસની નજરમાંથી બચતા રહીને એમનું કામકાજ શરૂ કરી દીધું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ટીમના ભૂતકાળના દેખાવના આધારે બુકીઓ આ વખતે પણ આ ટીમને ટોપ ફેવરિટ ગણાવે છે.
નામ જાહેર ન કરવાની શરતે એક બુકીએ કહ્યું કે બુકીઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો પાંચ રૂપિયા ભાવ આપે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર રૂ. 6.20 સાથે ચોથા ક્રમે છે. તે પછીના ક્રમે દિલ્હી કેપિટલ્સ (રૂ. 6.40), કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 7.80), કિંગ્સ ઈલેવન પંજાબ (રૂ. 9.50) અને રાજસ્થાન રોયલ્સ (રૂ. 10) આવે છે.
જે ટીમનો સૌથી ઓછો ભાવ હોય એ ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર ગણાય. જો કોઈ રૂ. 1000ની રકમ દાવ પર લગાવે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2020 જીતશે તો એને બુકી તરફથી રૂ. 4,900 મળશે. મેચ દર ઉપર-નીચે જઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા પાંચેય મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર વખત અને ચેન્નાઈ ટીમ 3 વખત ચેમ્પિયન બની છે.
આ વખતની આઈપીએલ ભારતમાં કોરોના વાઈરસનો ફેલાયો થયો હોવાને કારણે વિદેશની ધરતી પર રમાડવામાં આવી રહી છે.
આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોશો?
આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13નું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર કરવામાં આવશે. તે અંગ્રેજી ઉપરાંત હિન્દી તથા અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારિત કરાશે.
સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ડિઝની હોટસ્ટાર વીઆઈપી ચેનલ ઉપર પણ આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.
મોબાઈલ ફોન ઉપર પણ લોકો આ મેચો જોવાનો આનંદ ઉઠાવી શકશે.
કોરોના વાઈરસ મહાબીમારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એટલે યૂએઈના ત્રણેય સેન્ટર – દુબઈ, અબુધાબી અને શારજાહમાં પણ મેચો ખાલી સ્ટેડિયમોમાં રમાશે.