રોહિત-ડી કોકની જોડી જ મુંબઈ ઈન્ડિયન્સના દાવનો આરંભ કરશે

દુબઈઃ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ વખતની મોસમ માટે ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ક્રિસ લીનને ખરીદ્યો હોવા છતાં ટીમ દાવનો આરંભ કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક દ્વારા જ કરાવશે, એમ ટીમના કોચ મહેલા જયવર્દનેએ આજે જણાવ્યું છે.

રોહિત અને ડી કોકની ઓપનિંગ જોડીના દેખાવે મુંબઈ ઈન્ડિયન્સને ગયા વર્ષની સ્પર્ધામાં ચોથું વિજેતાપદ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

રોહિત અને ડી કોકની ઓપનિંગ જોડીના દેખાવે મુંબઈ ઈન્ડિયન્સને ગયા વર્ષની સ્પર્ધામાં વિજેતાપદ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ આ વખતની સ્પર્ધામાં તેની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.

જયવર્દનેએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું કે, તમારી પાસે વિકલ્પો હોય એ તો હંમેશાં મોટી જ વાત કહેવાય. અમારી ટીમમાં લીનના રૂપમાં મોટો ઉમેરો કરવામાં આવ્યો છે. પરંતુ રોહિત અને ક્વિન્ટનની જોડી જબરદસ્ત રહી છે, એ બંને વચ્ચે તાલમેલ પણ ખૂબ સરસ રહ્યો છે.

શ્રીલંકાના 43 વર્ષીય અને ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન જયવર્દનેએ વધુમાં કહ્યું કે રોહિત અને ક્વિન્ટન, બંને ઘણા જ અનુભવી ક્રિકેટરો છે અને સારા સુકાની પણ છે. એટલે જે ભાંગ્યુંતૂટ્યું જ નથી એને ફિક્સ કરવાની જરૂર જ શું છે. એક વિકલ્પ તરીકે લીનના આગમનથી અમારી ટીમને ઘણી સગવડતા મળી છે. છેલ્લા અમુક વર્ષોથી અમે આવું જ કરતા આવ્યા છીએ. અમે ટીમનો પ્રભાવ વધારવાનો કાયમ પ્રયત્ન કરીએ છીએ.

મોસમના આરંભ પૂર્વેના તાલીમ સત્રમાં મુંબઈ ટીમના તમામ બેટ્સમેનોએ જે તૈયારીઓ કરી છે એનાથી પોતે બહુ જ ખુશ છે એમ જયવર્દનેએ કહ્યું.

ટીમ યૂએઈ આવી એ પહેલાં ઝહીર ખાને ટીમના ખેલાડીઓ માટે મુંબઈમાં ઘણા સરસ તાલીમ સત્રોનું આયોજન કર્યું હતું. એટલે મોટા ભાગના ખેલાડીઓ બેટિંગમાં ચમકવા સજ્જ છે, એમ જયવર્દનેએ વધુમાં કહ્યું.

વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં રોહિત શર્મા પણ ઉપસ્થિત રહ્યો હતો.