અમદાવાદઃ દર વર્ષે ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ ફેલાવતી સ્પર્ધા આઈપીએલની નવી – 16મી આવૃત્તિનો આજથી આરંભ થશે. પ્રારંભિક મેચ આજે સાંજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ પૂર્વે, સાંજે 6 વાગ્યે ભવ્ય અને આકર્ષક ઉદઘાટન સમારોહ યોજવાનું નક્કી કર્યું છે.
દુનિયાના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ સમારોહમાં મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ પરફોર્મ કરશે, જેમ કે, દક્ષિણી ફિલ્મ અભિનેત્રીઓ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા. બોલીવુડ કલાકારો ટાઈગર શ્રોફ, કેટરીના કૈફ એમનાં ડાન્સ મૂવ્સ વડે દર્શકોનું મનોરંજન કરશે. તે ઉપરાંત ગાયક અરિજીત સિંહ પણ સ્ટેજ પર ગીત રજૂ કરશે. તે ઉપરાંત લેસર શો દર્શકો માટે નવું આકર્ષણ હશે.
સ્પર્ધામાં 10 ટીમ ભાગ લેશે – ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ. કુલ 74 મેચો રમાશે. ફાઈનલ મેચ 28 મેએ અમદાવાદમાં રમાશે.
