ગ્લેમરસ રહ્યો આઈપીએલ-2023નો ઉદઘાટન સમારોહ

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023 સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ ટીમને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું.

મેચ પૂર્વે સ્પર્ધાનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. એમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની બે અભિનેત્રી – રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ગીતો પર ડાન્સ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. રશ્મિકાએ તેનાં બહુગાજેલાં ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે તમન્નાએ તેલુગુ ફિલ્મ ‘એનિમી’ના ‘ટમ ટમ’ ગીત તેમજ બોલીવુડ ફિલ્મી ગીત ‘તુને મારી એન્ટ્રી’ પર પરફોર્મ કર્યું હતું. ગાયક અરિજિત સિંહે કારમાં સવાર થઈ સ્ટેડિયમમાં ગોળ ચક્કર લગાવતાં પરફોર્મ કર્યું હતું. એણે ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મનું ‘હવાયેં’ ગીત ગાયું હતું.