દંતકથાસમાન ક્રિકેટર સલીમ દુરાનીનું અવસાન; પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

જામનગરઃ વીતેલા વર્ષોનાં ભારતના ઉત્તમ ઓલરાઉન્ડર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે આજે અવસાન થયું છે. અત્રેના નિવાસસ્થાને એમણે આખરી શ્વાસ લીધો છે. એમને કેન્સર હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુરાનીને ટ્વિટરના માધ્યમથી યાદ કરીને શબ્દાંજલિ અર્પણ કરી છે. એમણે દુરાનીને ક્રિકેટ લેજન્ડ તરીકે ઓળખાવ્યા છે. મોદીએ લખ્યું છે કે, ‘વિશ્વ ક્રિકેટમાં ભારતના ઉદયમાં દુરાનીએ પણ યોગદાન આપ્યું હતું. મેદાન પર તેમજ મેદાનની બહાર તેઓ એમની આગવી સ્ટાઈલ માટે પ્રખ્યાત હતા. એમના નિધનના સમાચાર જાણીને દુઃખ થયું છે. એમના પરિવારજનો અને મિત્રો પ્રતિ દિલસોજી વ્યક્ત કરું છું. ગુજરાત સાથે સલીમ દુરાનીજીનો નાતો ઘણો જૂનો અને મજબૂત રહ્યો હતો. રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત વતી રમ્યા હતા. મને એમની સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એમના વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. 2004ના જાન્યુઆરીમાં મહાન ક્રિકેટર વિનૂ માંકડની પ્રતિમાના ઉદઘાટન પ્રસંગે હું જામનગર ગયો હતો ત્યારે દુરાનીને મળવાનું થયું હતું.’

સલીમ દુરાની 29 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં 50 દાવમાં બેટિંગ કરીને એમણે 25.04ની સરેરાશ સાથે 1,202 રન કર્યા હતા. એમણે કારકિર્દીમાં એક સદી અને સાત અડધી સદી પણ ફટકારી હતી. તેઓ ડાબોડી સ્પિનર હતા અને બોલિંગમાં એમણે 74 વિકેટ ઝડપી હતી. એક દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ એમણે પાંચ વખત હાંસલ કરી હતી. જ્યારે મેચમાં દસ વિકેટ લેવાની સિદ્ધિ એમણે એક વાર મેળવી હતી. દાવમાં એમનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો 73 રનમાં 6 વિકેટનો. 1961-62માં ઈંગ્લેન્ડ સામેના ભારતના શ્રેણીવિજયમાં દુરાની હિરો બન્યા હતા. એમણે કલકત્તા અને મદ્રાસ ટેસ્ટ મેચમાં અનુક્રમે 8 અને 10 વિકેટ લીધી હતી.

દુરાનીએ એક હિન્દી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. 1973માં આવેલી ‘ચરિત્ર’ ફિલ્મમાં એમણે પરવીન બાબી સાથે કામ કર્યું હતું.