મુંબઈઃ આઈપીએલ-2022ના પ્લેઓફ્સ તબક્કામાં ગુજરાત ટાઈટન્સનો પ્રવેશ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાના કાબેલ નેતૃત્વને આભારી છે. પંડ્યાની નેતૃત્વ કાબેલિયતના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને એમાં ટીમ ઈન્ડિયા તથા ગુજરાત ટાઈટન્સ ટીમના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ ઉમેરો થયો છે.
શમીનું કહેવું છે કે સુકાનીપદની જવાબદારી સોંપાયા બાદ મને હાર્દિકમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કેપ્ટન તરીકે એ તેના સાથીઓને માર્ગદર્શન આપે છે, એવી રીતે, જાણે કે પરિવારનો વડો હોય તેમ. આવી જવાબદારીથી ખેલાડી સમજદાર બને છે અને પરિસ્થિતિને પારખે છે. હાર્દિક પંડ્યાએ આ બધું સરસ રીતે સંભાળી બતાવ્યું છે અને ટીમનું ખૂબ સરસ રીતે માર્ગદર્શન કર્યું છે. ખેલાડી કરતાં કેપ્ટન તરીકે મને એનામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે.