આ બોલરે ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ની યાદ દેવડાવી

લંડનઃ IPLથી દૂર ઇંગ્લેન્ડમાં હાલ કાઉન્ટી ચેમ્પિયનશિપની ધૂમ છે. અહીં ઇંગ્લેન્ડના લેગ સ્પિનર મેટ પાર્કિસનનો કહેર જારી છે, જે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નની જેમ બોલિંગ કરી રહ્યો છે. સોશિયલ મિડિયા પર મેટ પાર્કિસનનો એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેણે શેન વોર્નના જાદુઈ બોલ ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ની યાદ દેવડાવી દીધી છે.

ઇંગ્લેન્ડમાં કાઉન્ટી  ચેમ્પિયનશિપ ડિવિઝન વનની એક મેચ લેન્કેશાયર અને વોરવિકશાયરની વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઈ હતી, જેમાં લેન્કેશાયરના લેગ સ્પિનર મેટ પાર્કિસને તેના જાદુઈ બોલ પર વોરવિકશાયરના વિકેટકીપર બેટ્સમેન માઇકલ બર્ગેસને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

લેન્કેશાયરના લેગ સ્પિનર મેટ પાર્કિસનના આ બોલની તુલના શેન વોર્નના જાદુઈ બોલ ‘બોલ ઓફ ધ સેન્ચુરી’થી કરવામાં આવી રહી છે. મેટ પાર્કિસનનો એ બોલ લેગ સ્ટમ્પથી બહાર પિચ પર પડ્યો અને વોરવિકશાયરના વિકેટકીપર બેટ્સમેન માઇકલ બર્ગેસનું ઓફ સ્ટમ્પ ઉડાડી દીધું. તેનો બોલ જે રીતે ટર્ન થયો એ જોઈને સૌકોઈ હેરાન થઈ ગયા હતા. સોશિયલ મિડિયા પ એ વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ન 4 જૂન, 1993એ ઇંગ્લેન્ડની સામે માન્ચેસ્ટરની ટેસ્ટમાં બેટ્સમેન માઇક ગેટિંગને એવો બોલ નાખ્યો હતો કે, જે લેગ સ્ટમ્પની બહાર પિચ પર પડ્યો હતો અને 90 ડિગ્રીએ ટર્ન થઈને બેટ્સમેનનું ઓફ સ્ટમ્પ ઉડાડી દીધું હતું. શેન વોર્નનો આ બોલ ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ નોંધવામાં આવ્યો હતો.