રેલવે-પોલીસે 502-બાળકોને ઉગાર્યા, માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું

મુંબઈઃ અત્રે મધ્ય રેલવે વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દળે ગવર્મેન્ટ રેલવે પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓની મદદથી મોટી કામગીરી બજાવીને છેલ્લા ચાર મહિનામાં 502 બાળકોને ઉગાર્યા છે. રેલવે પોલીસે ગયા જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હાથ ધર્યું હતું.

આ તમામ બાળકોનું એમનાં માતા-પિતા સાથે પુનર્મિલન કરાવી આપવામાં આવ્યું છે. આ બાળકોમાં 330 છોકરા અને 174 છોકરીઓ છે. રેલવે પોલીસ તંત્રએ આ માટે ચાઈલ્ડલાઈન નામની એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ)ની મદદ પણ લીધી હતી. આ બાળકો કોઈક ઝઘડાને કારણે અથવા અન્ય કોઈક પારિવારિક કારણસર અથવા વધુ સારા જીવનની તલાશમાં એમનાં પરિવારોને જાણ કર્યા વિના મુંબઈના રેલવે સ્ટેશનો પર આવી ગયાં હતાં. તો કેટલાંક બાળકો સ્ટેશન પર એમનાં માતાપિતાથી છૂટાં પડી ગયાં હતાં, ભૂલાં પડી ગયાં હતાં. તાલીમબદ્ધ આરપીએફના જવાનોએ એવા બાળકોને શોધી કાઢ્યા હતા અને એમની સંભાળ લીધા બાદ એમના માતાપિતાને સોંપી દીધા હતા. આરપીએફના જવાનોએ નારાજ થયેલાં બાળકો સાથે હળીમળીને એમની સમસ્યાઓ સાંભળી હતી, સમજી હતી અને પછી એમને તેમના માતાપિતા સાથે ફરી ભેગા થવા સમજાવ્યા હતા. માતા-પિતાઓએ આ ઉમદા સેવા બજાવવા બદલ આરપીએફ, રેલવે તંત્ર તથા અન્યોનો આભાર માન્યો છે, કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.