આઈપીએલ-2019 માટે હરાજી 18 ડિસેંબરે જયપુરમાં યોજાશે

મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની હરાજી આવતી 18 ડિસેંબરે જયપુરમાં યોજવામાં આવનાર છે.

આ પહેલી જ વાર એવું બનશે કે આઈપીએલ સ્પર્ધા માટેની હરાજી તેના નિયમિત બેંગલુરુ શહેરને બદલે કોઈ અન્ય શહેરમાં યોજાશે.

હરાજી 18 ડિસેંબરે બપોરે 3 વાગ્યે શરૂ થશે અને રાતે 9.30 વાગ્યે પૂરી થશે.

18 ડિસેંબર તારીખ મહત્ત્વની છે, કારણ કે તે દિવસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાંની બીજી ટેસ્ટ મેચનો આખરી દિવસ હશે. બપોરે 3 વાગ્યા સુધીમાં મેચ સમાપ્ત થઈ જશે.

આઈપીએલમાં કુલ 8 ફ્રેન્ચાઈઝી છે. એમણે ખેલાડીઓના ટ્રાન્સફરની કામગીરીઓ પૂરી કરી લીધી છે. હવે જે સ્થાન બાકી રહ્યા હોય એ માટે ખેલાડીઓની તેઓ પસંદગી કરશે.

ફ્રેન્ચાઈઝીસ માટે વધુમાં વધુ 50 ભારતીય ખેલાડીઓ અને 20 વિદેશી ખેલાડીઓની ટોચમર્યાદા સાથે વધુમાં વધુ 70 સ્લોટ ઉપલબ્ધ રહેશે.

કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે તેના પૂલમાંથી 11 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. આમ, તેણે સૌથી વધારે ખેલાડીઓને ખરીદવાના રહેશે.

ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ માત્ર બે જ ખેલાડીને ખરીદી શકશે, કારણ કે એણે 23 ખેલાડીઓને યથાવત્ રાખ્યા છે. એના એકાઉન્ટમાં રૂ. 8 કરોડ 40 લાખ છે.

એવી જ રીતે, દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ ટીમો પણ ઘણા ખેલાડીઓને ખરીદી શકશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તો માત્ર એક જ અને તે પણ વિદેશી ખેલાડી માટેની જગ્યા ભરવાની રહેશે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પાંચ વિદેશી ખેલાડીઓને ખરીદવાના છે. એના બેન્ક એકાઉન્ટમાં રૂ. 9.70 કરોડ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રણ દેશી અને બે વિદેશી ખેલાડીઓ ખરીદવાના છે.