એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટઃ ટીમમાંથી રવિન્દ્ર જાડેજાની બાદબાકીથી આશ્ચર્ય

એડીલેડ – ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ચારમાંની પહેલી ટેસ્ટ એડીલેડ ઓવલ મેદાનમાં રમાશે. આ માટે ભારતે 12-સભ્યોના નામોની જાહેરાત કરી દીધી છે.

આ ટીમમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી સૂચક છે.

કાગળ પર જોતાં બંને ટીમ બળવાન છે. બંને ટીમ યુવા ખેલાડીઓથી સજ્જ થયેલી છે.

વિરાટ કોહલી અને એના સાથીઓને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જ વાર ટેસ્ટ સીરિઝ જીતવાની તક મળી છે. સામે છેડે, ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બે અનુભવી બેટ્સમેનો – સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વગર રમી રહી છે. તેથી કાંગારુંઓને હરાવવાનો આ સોનેરી મોકો છે.

હનુમા વિહારી

ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્માને પહેલી ટેસ્ટ માટે 12-ખેલાડીઓની ટીમમાં પસંદ કરાયો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઉપરાંત ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ બાકાત રાખવામાં આવ્યો છે.

12-સભ્યોની ટીમમાં રોહિત શર્મા ઉપરાંત ઓલરાઉન્ડર હનુમા વિહારીએ પણ પ્રવેશ મેળવ્યો છે. વિહારીનો નંબર લાગતાં જાડેજાને આઉટ થવું પડ્યું છે.

ટીમ મેનેજમેન્ટે બેટિંગ લાઈન-અપને મજબૂત રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે.

ટીમમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવની ગેરહાજરી પણ નોંધપાત્ર છે. ટીમમાં માત્ર એક જ સ્પિનર છે – રવિચંદ્રન અશ્વિન.

ટીમનો મુખ્ય આધારસ્તંભ કેપ્ટન કોહલી રહેશે, જેણે ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં 692 રન કર્યા હતા. મંગળવારે નેટ પ્રેક્ટિસમાં પણ કોહલી સરસ ટચમાં જણાયો હતો.

અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયામાં 2014-15માં તેની ગત શ્રેણીમાં 57ની સરેરાશ સાથે 399 રન કર્યા હતા. ભારત તે શ્રેણી 0-2થી હારી ગયું હતું.

રોહિત શર્મા

જોકે શર્મા અે વિહારી વચ્ચે 6ઠ્ઠા સ્થાન માટે હરીફાઈ છે. આ સ્થાન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં ખાલી પડ્યું છે.

રોહિત અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમ્યો છે. એની છેલ્લી ટેસ્ટ ગયા જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે હતી. 2014-15માં એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવ્યો હતો. તેથી એને ઓસ્ટ્રેલિયાની આબોહવાનો અનુભવ છે.

પસંદગીકારોએ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરોને રાખ્યા છે – શમી, ઈશાંત અને બુમરાહ.

દાવનો આરંભ મુરલી વિજય અને લોકેશ રાહુલ કરસે. પૃથ્વી શૉ ઈજાગ્રસ્ત થતાં એને ટીમથી બહાર રહેવાની ફરજ પડી છે.

ઓસ્ટ્રેલિયાએ તેના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મિચેલ માર્શને પડતો મૂક્યો છે અને ટીમે છ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનોને રમાડવાનું પસંદ કર્યું છે.

ભારત (12 ખેલાડીઓ): વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા (ઈલેવન જાહેર): ટીમ પેઈન (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ હેરિસ, આરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, ટ્રાવિસ હેડ, શોન માર્શ, પીટર હેન્ડ્સકોમ્બ, નેથન લિયોન, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ.