ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટઃ પૂજારાની સદીએ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ ધબડકો થતો અટકાવ્યો

એડીલેડ – ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝ આજથી અહીં એડીલેડ ઓવલ ખાતે શરૂ થઈ છે.  પહેલી ટેસ્ટના આજે પહેલા દિવસે એકમાત્ર ચેતેશ્વર પૂજારાને બાદ કરતાં ભારતના અન્ય બેટ્સમેનોએ એમના પહેલા દાવમાં કંગાળ બેટિંગ કરી હતી. એને કારણે ભારત દિવસને અંતે 9 વિકેટના ભોગે 250 રનનો ઓછો કહી શકાય એવો સ્કોર કરી શક્યું. આ અઢીસો રન થવા માટેનો શ્રેય પૂજારાને જાય છે જેણે 123 રન કર્યા હતા.

પૂજારાએ ખૂબ ધૈર્યપૂર્વક રમીને પોતાની કારકિર્દીની 16મી સદી ફટકારી હતી અને ભારતને સંપૂર્ણ ધબડકાનો શિકાર થતું બચાવ્યું હતું.

246 બોલમનો સામનો કર્યા બાદ એ આખરે રનઆઉટ થયો હતો. એ વખતે 87.5 ઓવર થઈ હતી. એ સાથે જ અમ્પાયરોએ દિવસની રમત સમાપ્ત થયેલી ઘોષિત કરી હતી. સામે છેડે મોહમ્મદ શમી 6 રન સાથે દાવમાં હતો.

પૂજારા ટેસ્ટ મેચોમાં આ આઠમી વાર રનઆઉટ થયો છે. ભારત વતી સૌથી વધુ વાર રનઆઉટ થવાનો વિક્રમ રાહુલ દ્રવિડના નામે છે – 13 વાર. બીજા ક્રમે સચીન તેંડુલકર છે – 9 વાર.

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે હનુમા વિહારીને 12મો ખેલાડી ઘોષિત કર્યો હતો. ભારતે લોકેશ રાહુલ અને મુરલી વિજય સાથે દાવનો આરંભ કર્યો હતો, પણ બીજી જ ઓવરમાં રાહુલ (2) આઉટ થયો હતો. એના આઉટ થતાં પૂજારા ક્રીઝ પર આવ્યો હતો અને એણે એક છેડો બરાબર રીતે સંભાળ્યો હતો. વિજય (11)ની વિકેટ પડ્યા બાદ કોહલી 3, અજિંક્ય રહાણે 13 રન કરીને આઉટ થયો હતો.

પૂજારાને એ વખતે રોહિત શર્મા (37), વિકેટકીપર રિષભ પંત (25), રવિચંદ્રન અશ્વિન (25)નો ટેકો મળ્યો હતો. ઈશાંત શર્મા 8મી વિકેટના રૂપમાં 4 રન કરીને આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરો – મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ ઉપરાંત સ્પિનર નેથન લિયોને વ્યક્તિગત બે વિકેટ લીધી હતી.

કેપ્ટન કોહલીને કમિન્સે આઉટ કર્યો હતો. ગલીના સ્થાને ઉસ્માન ખ્વાજાએ અદ્દભુત રીતે કોહલીનો કેચ પકડ્યો હતો.

લંચ સમયે ભારતનો સ્કોર 4 વિકેટે 56 રન હતો અને ટીમની હાલત અત્યંત ખરાબ હતી, પણ પૂજારાએ રોહિત શર્મા, પંત અને અશ્વિન સાથે અનુક્રમે 45, 41 અને 62 રનની ભાગીદારી કરીને ભારતને થોડોક સમ્માનજનક સ્કોર અપાવ્યો હતો.

પૂજારાએ તેના દાવમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

પૂજારા અને ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડની ટેસ્ટ ક્રિકેટની સિદ્ધિઓમાં યોગાનુયોગ એક ગજબનું સામ્ય જોવા મળ્યું છે. પૂજારાએ આજે રમતી વખતે પોતાની કારકિર્દીના 5000 રન પૂરા કર્યા હતા. પૂજારા અને દ્રવિડના આંકડાઓનું સામ્ય આ તસવીર પરથી જોઈ શકાય છે.