હોકી વર્લ્ડ કપઃ રોમાંચક મુકાબલામાં ભારતે બેલ્જિયમને જીતવા ન દીધું, મેચ ડ્રો કરી

ભૂવનેશ્વર – ભારતીય હોકી ટીમે આજે અહીં રમાઈ ગયેલી વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ગ્રુપ-Cની મહત્ત્તવની મેચમાં બેલ્જિયમને જીતવા દીધું નહોતું અને મેચ 2-2માં પૂરી કરી હતી.

ભારતીય ખેલાડીઓ પહેલા હાફમાં ધીમા રહ્યા હતા, પણ બીજા હાફમાં એમણે જોરદાર પરફોર્મન્સ બતાવ્યો હતો.

પહેલા હાફને અંતે બેલ્જિયમ 1-0થી આગળ હતું.

બીજા હાફમાં, ભારત હરમનપ્રીત સિંહ અને સિમરનજીત સિંહના ગોલની મદદથી 2-1થી આગળ થઈ ગયું હતું.

હરમનપ્રીતે 39મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો હતો જ્યારે સિમરનજીત સિંહે 47મી મિનિટે ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી.

પરંતુ, મેચ પૂરી થવાને માત્ર ચાર મિનિટની વાર હતી ત્યારે બેલ્જિયમના ફ્લોરેન્ટ વાન ઓબેલે ભારતીય પેનલ્ટી સર્કલમાં ગોલકીપર શ્રીજેશને હંફાવીને ગોલ કરતાં દર્શકોનો ઉત્સાહ ઉતરી ગયો હતો.

આ મેચ ડ્રો માં જવાથી સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ કરવાની ભારતની તક બળવત્તર થઈ છે.

બેલ્જિયમ ટીમ આજની મેચ જીતવા માટે ફેવરિટ હતી, પણ ભારતીયોએ જુસ્સાદાર કમબેક કરીને મહત્ત્વનો એવો 1 પોઈન્ટ મેળવ્યો હતો. બેલ્જિયમને પણ 1 પોઈન્ટ મળ્યો છે.

ગ્રુપ-Cમાં ભારત હાલ ટોચ પર છે. બેલ્જિયમ બીજા નંબરે છે. બંને ટીમના 4-4 પોઈન્ટ છે. ભારત હવે 8 ડિસેમ્બરે છેલ્લી ગ્રુપ મેચ કેનેડા સામે રમશે.