પૃથ્વી ઈજાગ્રસ્ત થયો; ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ પૂર્વે ટીમ ઈન્ડિયાને આંચકો

સિડની – અહીં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની ચાર-દિવસની વોર્મ-અપ મેચના આજે ત્રીજા દિવસે ભારતનો આશાસ્પદ ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ઈજાગ્રસ્ત થતાં ઓસ્ટ્રેલિયા સામેની આગામી પહેલી ટેસ્ટ મેચની ટીમ ઈન્ડિયાની તૈયારીને ફટકો પડ્યો છે.

આજે ત્રીજા દિવસની રમત દરમિયાન બાઉન્ડરી લાઈન પર એક કેચ પકડવા જતાં 19 વર્ષીય પૃથ્વીને ડાબા પગની ઘૂંટીમાં મોચ આવી ગઈ હતી.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે સવારે પૃથ્વીની ઘૂંટીનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને એમાં માલુમ પડ્યું છે કે અસ્થિબંધ તૂટવાની (લિગામેન્ટ ટોર) ઈજા થઈ છે. એ 6 ડિસેંબરથી એડીલેડમાં રમાનાર પહેલી ટેસ્ટ મેચમાં રમી નહીં શકે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે પૃથ્વી શો જલદી સાજો થઈ જાય અને વહેલી તકે પસંદગી માટે ઉપલબ્ધ થયા એ માટે એણે ઘૂંટીને આરામ આપવા સહિતનો સઘન ઉપચાર કરવો પડશે.

પ્રેક્ટિસ મેચના આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ઈલેવનનો દાવ ચાલુ હતો ત્યારે ઓપનર મેક્સ બ્રાયન્ટે ઊંચો ફટકો માર્યો હતો અને ડીપ મિડવિકેટ સ્થાને ઉભેલા પૃથ્વીએ  કેચ પકડવા માટે બાઉન્ડરી લાઈન તરફ દોટ લગાવી હતી, પણ એમાં એની ઘૂંટી 90-ડિગ્રી અંદરના ભાગમાં મચકોડાઈ ગઈ હતી અને એ જમીન પર પડી ગયો હતો.

બંને ટીમના મેડિકલ ટીમના સભ્યો પૃથ્વીને જોવા માટે ત્યાં દોડી ગયા હતા. પૃથ્વી પીડાથી કણસતો હતો. એને ભારતીય ટીમના ફિઝિયોથેરપિસ્ટ પેટ્રિક ફોરહાર્ટ તથા સહયોગી ઉંચકીને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા.

પૃથ્વીએ એ પહેલાં, ભારતના દાવમાં 66 રન કર્યા હતા. ભારતનો પહેલો દાવ 358 રનમાં પૂરો થયો હતો. પૃથ્વીએ 69 બોલમાં, 11 ચોગ્ગા સાથે 66 રન કર્યા હતા અને ટોપ સ્કોરર રહ્યો હતો.

એના જવાબમાં, ઓસ્ટ્રેલિયન ઈલેવને દિવસની રમતને અંતે 6 વિકેટે 356 રન કર્યા હતા. વિકેટકીપર હેરી નિલ્સન 56 અને આરોન હાર્ડી 69 રન કરીને દાવમાં હતા. ડી આર્ચી શોર્ટે 74, મેક્સ બ્રાયન્ટે 62 (બોલ્ય બાય અશ્વિન) રન કર્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 18 ઓવરમાં 67 રન આપીને 3 વિકેટ લઈને ભારતનો બેસ્ટ બોલર રહ્યો છે.

ભારતના દાવમાં કેપ્ટન વિરાટ કોહલીએ 64, ચેતેશ્વર પૂજારાએ 54, અજિંક્ય રહાણેએ 56, હનુમા વિહારીએ 53, રોહિત શર્માએ 40 રન કર્યા હતા.