શારજાહઃ અહીં મંગળવારે રમાઈ ગયેલી આઈપીએલ-13ની લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો, પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ધોનીએ સિક્સરોની હેટ-ટ્રિક ફટકારીને એના જૂના દિવસોની યાદ ફરી તાજી કરાવી આપી હતી.
બીજા નંબરની સિક્સર તો 92 મીટર લાંબી હતી. બોલ સ્ટેડિયમની બહાર ઊભેલી એક કાર પર પડ્યો હતો. ત્યાં કારની બાજુમાં ઊભેલા એક શખ્સે બોલ પોતાની પાસે રાખી લીધો હતો.
આની એક વિડિયો ક્લિપ આઈપીએલના સત્તાવાર સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.
ધોનીએ પોતાના દાવની શરૂઆત ધીમી કરી હતી, પણ આખરમાં એણે કમાલ બતાવી હતી. એણે 17 બોલમાં 29 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો, જેમાં ત્રણ લગાતાર સિક્સરનો સમાવેશ થાય છે. સામે બોલર હતો ટોમ કરેન.
મંગળવારની મેચમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 16-રનથી પરાજય આપ્યો હતો.
રાજસ્થાન ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 216 રન કર્યા હતા. વિકેટકીપર સંજુ સેમસને 32 બોલમાં 74 રન ફટકાર્યા હતા, જેમાં 9 સિક્સર અને એક બાઉન્ડરીનો સમાવેશ હતો. એણે કેપ્ટન સ્ટીવન સ્મીથ (69)ની સાથે મળીને બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. સ્મીથે 4 સિક્સ અને 4 બાઉન્ડરી ફટકારી હતી. 9મા ક્રમે આવેલો જોફ્રા આર્ચર 8 બોલમાં 27 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 4 સિક્સ ફટકારી હતી.
ચેન્નાઈ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન કરી શકી હતી. ફાફ ડુ પ્લેસીએ 72, શેન વોટસને 33, મુરલી વિજયે 21 રન કર્યા હતા. ધોની 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
સમગ્ર મેચમાં કુલ 33 સિક્સરો લાગી હતી. સેમસને 9, સ્ટીવ સ્મીથે 4, આર્ચરે 4, શેન વોટ્સને 4, ફાફ ડુ પ્લેસીએ 7, સેમ કરને 2 અને ધોનીએ 3 સિક્સ ફટકારી હતી. 2018ની સ્પર્ધાની મેચમાં પણ આટલી જ સંખ્યામાં સિક્સરો લાગી હતી. તે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની હતી.
રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસનને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
— Biswajit Mohanty (@Mr_Biswajit_07) September 22, 2020